દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે ઇમિગ્રેશન ક્લિઅરન્સ બાબતે ઇમિગ્રેશન અધિકારી સાથે મારામારી કરવા બદલ કેનેડાના એક નાગરિકને પાછો કઢાયો હતો. આ મુસાફર લુફ્થાન્સા એરલાઇન્સમાં 11 સપ્ટેમ્બરે મ્યુનિકથી દિલ્હી આવ્યો હતો. નિયમ મુજબ દરેક આંતરરાષ્ટ્રીય મુસાફરે કોઇપણ દેશમાં પ્રવેશતા પહેલા ઇમિગ્રેશન ક્લિયર કરાવવું જરૂરી હોય છે. ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન અધિકારીએ તે કેનેડિયનને ઇમિગ્રેશન ફોર્મ શા માટે ભર્યું નથી એવું પૂછ્યું હતું. તેને આ નિયમોની માહિતી છે કે નહીં તે બાબતે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેણે અધિકારી સાથે દલીલ કરતી હતી અને પછી મારામારી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અધિકારીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરીને કેનેડિયન નાગરિક સામે ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધાવી હતી. ઇમિગ્રેશનના સૂત્રોના જણાવ્યા મુજબ, ઇમિગ્રેશન વિભાગે તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અને તેને નિયમ મુજબ લુફ્થાન્સા એરલાઇન્સમાં પરત મોકલવામાં આવ્યો છે.

આ ઉપરાંત 13 સપ્ટેમ્બરે રાત્રે પણ ટર્મિનલ 3 પર ઇમિગ્રેશન ઓફિસર અને બીજા એક મુસાફર વચ્ચે માથાકુટ થઇ હોવાનું બહાર આવ્યું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દુબઇથી દિલ્હી આવેલા આર. આર. ભાટિયા નામના મુસાફર સાથે ફોટોગ્રાફ માટે કેપ ઉતારવા બાબતે ઇમિગ્રેશન અધિકારીની ઉગ્ર દલીલો થઇ હતી. આ બંનેએ ઘટના અંગે દિલ્હી પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે સરકારી કર્મચારીને તેની ફરજ બજાવવામાં અવરોધવા બદલ મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.