ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ (એઈએલટીસી)એ આખરે આ વર્ષની વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા પડતી મુકવાનો નિર્ણય લીધો છે. હવે આ ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા આવતા વર્ષે – 134મી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ્સ 28 જુનથી 11 જુલાઈ, 2021 દરમિયાન યોજાશે.

ક્લબના મેઈન બોર્ડ અને ચેમ્પિયનશિપ્સની મેનેજમેન્ટ કમીટીએ બુધવારે (1 એપ્રિલ) આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ નિર્ણય લેતી વખતે અમારા મનમાં વિમ્બલ્ડન સ્પર્ધાની સફળતામાં સહભાગી સૌ – યુકેના ટેનિસ ચાહકો અને દર્શકો, ખેલાડીઓ, મહેમાનો, ક્લબના મેમ્બર્સ, સ્ટાફ વોલિન્ટીયર્સ, પાર્ટનર્સ, કોન્ટ્રાક્ટર્સ તથા સ્થાનિક રહેવાસીઓના પણ આરોગ્ય અને સુખાકારીની પ્રાથમિકતા સર્વોપરિ રહી હતી.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કોરોના વાઈરસનો રોગચાળો શરૂ થયો ત્યારથી અમે યુકે સરકાર અને જાહેર આરોગ્ય વિભાગના સત્તાવાળાઓના તમામ માર્ગદર્શનો અને નિયમોનું પાલન કરી રહ્યા છીએ. જે ટેનિસ ચાહકોએ ટિકિટ્સ ખરીદી છે, તેમને તેના પૈસા રીફંડ કરાશે. તેમને એવી પણ ઓફર કરાશે કે તેઓ ઈચ્છે તો આવતા વર્ષે તે જ દિવસ અને તે જ કોર્ટની ટિકિટ ખરીદી શકશે. એ માટે ક્લબ ટિકિટ હોલ્ડર્સ સાથે સીધો સંપર્ક કરશે.

ક્લબના ચેરમેન ઈયાન હેવિટે જણાવ્યું હતું કે વિશ્વ યુદ્ધના ગાળા સિવાય આ ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા ક્યારે ય બંધ રહી નથી પણ કોરોના વાઈરસના રોગચાળાના પગલે સમગ્ર વિશ્વમાં ઉભી થયેલી કટોકટીની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમે ભારે હૈયે આ નિર્ણય લીધો છે.