આર્મી ચીફ જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. બારત સરકારે રવિવારે આ પદ મામલે ઉંમરની મર્યાદા વધારી હતી. ઉલ્લેખનીય છે કે રાવત 31 ડિસેમ્બરના રોજ સેનાધ્યક્ષ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાવતનું સ્થાન મનોજ મુકુંદ નરવણે લેશે. સીડીએસનું પદ “ફોર સ્ટાર” જનરલના સમકક્ષ હશે અને તમામ સેનાના પ્રમુખોમાં સૌથી ઉપર હશે.
સંરક્ષણ મંત્રાલયે સેના નિયમો, 1954માં કાર્યકાળ અને સેવાના નિયમોમાં સંશોધન કર્યું છે. મંત્રાલયે 28 ડિસેમ્બરના રોજ પોતાના એક જાહેરનામામાં જણાવ્યું છે કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અથવા ટ્રાઈ-સર્વિસીઝ પ્રમુખ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે. જો, ભારત સરકારને જરૂરી લાગે તો લોકહિતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સેવાના કાર્યકાળને વિસ્તારી શકે છે. વર્તમાન નિયમો મુજબ, ત્રણેય સેનાઓના પ્રમુખ 62 વર્ષની ઉંમર સુધી અથવા તો ત્રણ વર્ષ સેવા આપી શકે છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે 24 ડિસેમ્બરે CDS પદ અને તેના ચાર્ટર તેમજ ફરજોને મંજૂરી આપી હતી. ખાસ વાત એ છે કે સીડીએસ, પદ છોડ્યા બાદ કોઈપણ સરકારી પદ તેઓ સ્વીકારી શકશે નહીં.
CDS આર્મી, એરફોર્સ અને નેવીના એકીકૃત સૈન્ય સલાહકાર હશે. 1999માં ગઠિત કરવામાં આવેલી કારગિલ સુરક્ષા સમિતિએ આ મામલે ભલામણ કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિનો હેતુ ભારત સામે આવનારા સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન વધારવાનો છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ ઐતિહાસિક સૈન્ય સુધારાની જાહેરાત કરતા કહ્યું કે ભારતની ત્રણેય સેના માટે એક પ્રમુખ હશે, જેને CDS કહેવાશે.
વડાપ્રધાનની જાહેરાત બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક અમલીકણ સમિતિની રચના કરવામાં આવી હતી જેણે CDSની નિયુક્તિની પદ્ધતિઓ અને તેની જવાબદારીઓ નક્કી કરવાનું કામ કર્યું હતું.