કોરોના વાઈરસ, હોંગકોંગની પરિસ્થિતિ સહિતના અન્ય મુદ્દાઓ પર ચીન અને અમેરિકા વચ્ચે ચાલતો ગજગ્રાહ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, અમેરિકા અમારી સાથેના સંબંધોને ‘નવા શીત યુદ્ધ’ તરફ ધકેલી રહ્યું છે. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને કોરોના વાઈરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવ્યું હતુ.

ચીનની રાજધાની બેઇજિંગમાં વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે, અમેરિકામાં કેટલીક રાજકીય તાકાતોએ અમેરિકા-ચીન વચ્ચેના સંબંધોને બાનમાં લીધા છે અને તેઓ બંને દેશોને નવા શીત યુદ્ધ તરફ ધકેલી રહ્યા છે.

તેમણે ઊમેર્યું કે, અમેરિકામાં ચીનની સામે દાખલ કરવામાં આવેલા કોવિડ-૧૯ માટે વળતર માંગતા મુકદ્દમાઓ ભોગ બનનારને જ બનાવટી પુરાવા ઉભા કરીને બ્લેકમેઈલ કરવાના પ્રયાસથી વિશેષ કશું નથી.

તેમણે ઉમેર્યું કે, દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, કોરોના મહામારી તો ચાલુ જ છે, ત્યારે અમેરિકામાં ‘રાજકીય વાઈરસ’ ફેલાવામાં આવી રહ્યો છે. તેઓ ચીન પર આક્ષેપ મૂકવાની કે નિંદા કરવાની કોઈ પણ તકને તરત ઝડપી લે છે.

દરમિયાનમાં ચીને હોંગકોંગ પર નિયંત્રણ મેળવવા માટે નવો કાયદો ઘડી કાઢ્યો છે. જે અંતર્ગત હોંગકોંગમાં નાગરિકોનું સ્વાતંત્ર્ય ખુબ જ મર્યાદિત બની જશે અને ચીની શાસકોની સત્તા અમર્યાદ બની જશે.

જેની સામે હોંગકોંગમાં મોટાપાયે લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના શેલ છોડયા હતા અને આંખમાં બળતરા થાય તેવા રસાયણનો પણ છંટકાવ કર્યો હતો.