Photo Gujarat information Department

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ બહાર પાડવા માટેનો પ્રસ્તાવ રજુ કરવાનો નિર્ધાર કર્યો છે. વિકાસની હરણફાળ ભરીને સર્વાંગી પ્રગતિ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમમાં કાયદો વ્યવસ્થાની સુચારૂ સ્થિતી જળવાઇ રહે તે હેતુસર આ ઓર્ડિનન્સની દરખાસ્ત આગામી મંત્રીમંડળની બેઠકમાં રજુ કરવાના છે.

રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદે જમીન પચાવી પાડનારા તત્વો-ભૂમાફિયાઓ-જુગાર-દારૂની પ્રવૃત્તિ કરનારાઓ સહિતના અસામાજીક તત્વોને સખ્ત નશ્યત કરવા ‘પાસા’ એકટમાં સુધારો કરવાનો તાજેતરમાં જ નિર્ણય કર્યો છે. બીજી તરફ ગૌવંશ હત્યા વિરુદ્ધનો અતિ સખ્ત કાનૂન પણ તેમણે અમલી બનાવ્યો છે. આમ ગુંડા તત્વો, જમીન કૌભાંડકારો-ભૂમાફિયાઓ, ગૌવંશના હત્યારા સહિત દરેક અસામાજિક તત્વોને દશે દિશાએથી ભિડવવાનો અભિગમ રૂપાણીએ કાયદાઓના કડક અમલીકરણથી અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડા તત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસી ગુજરાતને અપરાધમુકત, સલામત-સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. રૂપાણીએ રાજ્યમાં જાહેર જનજીવન અને કાયદો વ્યવસ્થાને ખલેલ પહોચાડી વિકાસમાં બાધક બનતા ગુંડા તત્વો પર કાયદાકીય સકંજો વધુ સખ્તાઇથી કસવા આ વટહુકમમાં કેટલીક કડક જોગવાઇઓ દાખલ કરવાનો દ્રઢનિર્ધાર કર્યો છે.

રાજ્યમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.

ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરવામાં આવ્યો છે.કોઇ ગુંડા તત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ પણ આ નવા કાયદામાં સુનિશ્ચિત કરી છે.