વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનથી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. 10 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. અમદાવાદમાં 9 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.

હજુ 4 દિવસ કોલ્ડવેવની અસરોને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને રાજ્યનાં સૌરાષ્ટ્ર-કચ્છનાં ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ તેમજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા સહિત રાજ્યનાં તમામ વિસ્તારો કાતિલ ઠંડીની લપેટમાં આવી જવાની શક્યતા છે.

અમદાવાદ સહિત 10 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10.0 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો.સમગ્ર રાજ્યમાં 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠડું શહેર બન્યું હતું. જ્યારે 7 ડિગ્રી સાથે ગાંધીનગર બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. 24 કલાકમાં અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 9 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

જ્યારે ઠંડા પવનોની અસરોથી રાજ્યનાં અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10થી 14 ડિગ્રીની આસપાસ નોધાતા લોકો ઠંડીથી ઠુંઠવાઈ ગયા હતા. હવામાન ખાતાએ આગામી 4 દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરી છે. તેમાં પણ આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાઈ શકે છે. ખાસ કરીને સોસાયટીના સિક્યોરિટી ગાર્ડસ, પાનના ગલ્લાધારકો, રાતજગોની ટેવ ધરાવતા યુવાનો તાપણાં કરીને ઠંડી ઉડાડતા જોવા મળે છે.