8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી જાહેર કર્યા બાદથી પ્રમુખ વિપક્ષ કોંગ્રેસ સતત કેન્દ્ર અને નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરતું આ‌વ્યું છે. 2014માં કોંગ્રેસને ચૂંટણી પ્રચાર પાછળ 516 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. જેની સરખામણીએ આ વર્ષે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર પાછળ 820 કરોડ રૂપિયાનો ધૂમાડો કરી દીધો છે.

લોકસભા ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલા ખર્ચામાં આ ચૂંટણીમાં વાપરવામાં આવેલા નાણાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. 2014માં ભાજપે કોંગ્રેસ કરતા વધારે 714 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. જ્યારે આ વર્ષે ચૂંટણી પ્રચાર પાછળ ભાજપે કેટલો ખર્ચો કર્યો તે અંગેનો એહવાલ આપવાનો હજી બાકી છે.

ચૂંટણી દરમિયાન ખર્ચ કરાયેલા રૂપિયાનો હિસાબ આપતા કોંગ્રેસે 31 ઓક્ટોબરના રોજ ચૂંટણી પંચને જે વિગતો આપી છે તે પ્રમાણે પાર્ટીએ પોતાના પ્રચાર માટે 626.3 કરોડ રૂપિયા અને આશરે 193.9 કરોડ રૂપિયા પોતાના ઉમેદવારો પર ખર્ચ્યા છે. કોંગ્રેસે ચૂંટણીની જાહેરાત કરી ત્યાર પછીથી ચૂંટણી પૂર્ણ થવા સુધીમાં કુલ 856 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન મે મહિનામાં કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ નિવેદન આપતા કહ્યું હતું કે ‘અમારી પાસે તો પૈસા જ નથી.’