યુકેમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં મોટા પ્રમાણમાં દૈનિક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 113 લોકોના મોત નિપજ્યાં છે. મોતનો આંક જોતા આજનો દિવસ યુકેનો સૌથી વધુ અંધકારમય દિવસ બની રહ્યો હતો. ચેપના 2,100 વધુ કિસ્સાઓ એક જ દિવસમાં નોંધાયા છે. મરણ પામનારા લોકોનો કુલ આંક  578 અને પોઝીટીવ ચેપ ધરાવતા લોકોની અધિકૃત નોંધાયેલી સંખ્યા 12,000 થઇ છે.

આરોગ્ય અધિકારીઓએ આજે ​​વેલ્સમાં છ, સ્કોટલેન્ડમાં ત્રણ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ત્રણ જણાના મૃત્યુની ઘોષણા કરી હતી. યુકેમાં ગઈકાલે 43 લોકો મરણ પામ્યા હોવાના આંકડા આવતા લાગ્યુ હતુ કે વડા પ્રધાન બોરીસ જ્હોન્સને જાહેર કરેલા અભૂતપૂર્વ લોકડાઉનના કારણે કોરોનાવાયરસથી થતા મૃત્યુનો આંક ઓછો થશે તેવી આશા પ્રસરી હતી. પરંતુ આજનો આંક જોતા તે ઠગારી નીવડી હતી.

વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે બ્રિટનમાં નોંધાયેલા દરેક મૃત્યુ સામે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1,000  હોવાની સંભાવના છે જે સૂચવે છે કે કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત થયેલા દર્દીઓની સંખ્યા 600,000 જેટલી હશે. ફક્ત હોસ્પિટલમાં જ દર્દીઓનો ટેસ્ટ કરવામાં આવતો હોવાથી સાચી સ્થિતીનો ખ્યાલ આવતો નથી. જેને કારણે નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટની આકરી ટીકા થઇ રહી છે. સરકારના એક ટોચના સલાહકારે જણાવ્યું હતું કે યુકેનો રોગચાળો સારો થાય તે પહેલાં જ વધુ ખરાબ થઈ જશે અને ઇસ્ટર વખતે તો તે ટોચ પર પહોંચી શકે તેમ છે.

ચાન્સેલર ઋષિ સુનકે આખરે આજે લાખો સેલ્ફ એમ્પલોઇડ લોકોને માટે કોરોનાવાયરસ બેલઆઉટની જાહેરાત કરી હતી.

મશીનો તેના પ્રારંભિક ટેસ્ટમાં પાસ થશે એ શરતે સરકારે ડાયસનને 10,000 વેન્ટિલેટરનો ઑર્ડર આપ્યો છે. રિટેલર બૂટ્સે લોકોને વિનંતી કરી છે કે તેઓ કોરોનાવાયરસના ટેસ્ટની કીટ ખરીદવા ધસારો ન કરે કારપણ કે હજૂ તેમને જ કીટ મળી નથી.

કોરોનાવાયરસના મરણ અને કેસોની વિસ્તાર મુજબ સ્થિતી

વિસ્તાર         કેસની સંખ્યા    કુલ મરણ

લંડન           3,247         155

સાઉથ ઇસ્ટ     876            63

સાઉથ વેસ્ટ     397            23

નોર્થ વેસ્ટ      703            53

NE અને યોર્ક્સ  698            24

મિડલેન્ડ્સ      1296           67

ઇસ્ટ ઇંગ્લેન્ડ    480            29

નોન-કન્ફર્મ્ડ    276            –

ઇંગ્લેંડ કુલ      7,973         414

નો. આયર્લેન્ડ   241            10

વેલ્સ           741            28

સ્કોટલેન્ડ       894            25

યુકે કુલ        9,849         477

બીનજરૂરી મુસાફરી કરનાર સામે પોલીસ આકરી

યુકેનો મૃત્યુ દર કૂદકેને ભુસકે વધી રહ્યો છે ત્યારે પોલીસે રોડ કારની અવરજવરને રોકવા રોડ બ્લોક કર્યા છે અને ડોગ વૉકર્સ, રેમ્બલર્સ અને ‘લાઇક્રા લઆઉટ’ સાયકલ સવારોને પીછો કરવા માટે ડ્રોન કામે લગાવ્યા છે. ડર્બીશાયર પોલીસે ડ્રોન યુનિટને કામે લગાવ્યુ છે અને ટાઇનીસાઇડ નોર્થમ્બ્રીયા પોલીસે એક ફૂટબોલ મેચને વિખેરી નાંખી હતી. આવતા ત્રણ અઠવાડિયા સુધી ફક્ત બે જ લોકો એકઠા થઈ શકે તેવા હુકમ કરાયા છે. હોમ ઓફિસ પોલીસને નવા પાવર્સ આપનાર છે.

વગર કામની અવરજવરને રોકવા નોર્થ યોર્કશાયર પોલીસ અને ડેવોન પોલીસ ગમે ત્યારે ગમે તે સ્થળે વાહનોને ચેક કરશે. પોલીસ પેટ્રોલીંગે સ્વૉનસીમાં ટ્રેનના મુસાફરોને તેમની મુસાફરી ‘અનિવાર્ય’ છે કે નહિ તેની ખાતરી કરી હતી. જોકે પોલીસ પગલાની સિવિલ લિબર્ટી ગૃપ્સ દ્વારા ઉગ્ર ટીકા થઈ હતી. મર્સીસાઇડ પોલીસના ચીફ કોન્સ્ટેબલ એન્ડી કુકે જાહેર જનતાને લોક ટોળે વળ્યા હોય તો જાણ કરવા વિનંતી કરી હતી. પોલીસને બાર્બેક્યુ, ઘરમાં કરાતી પાર્ટી અને ફૂટબોલની મેચના બંધ કરાવવાના આદેશો છે.

પખવાડિયામાં 1 બિલીયન પાઉન્ડની ગ્રોસરી ખરીદાઇ

પેનિક બાઇંગના કારણે બ્રિટનના લોકોએ ગત પખવાડિયામાં 1 બિલીયન પાઉન્ડની ગ્રોસરી ખરીદી હતી. સરકાર અને રીટેઇલર્સે ખાતરી આપી હતી કે સપ્લાય ચેઇનમાં હજી પુષ્કળ પ્રમાણમાં માલ પડેલો છે. ટેસ્કોના સીઇઓએ લોકોને ઑનલાઇન ઓર્ડર કરવાને બદલે સ્ટોરમાં જઇને ખરીદી કરવા જણાવ્યુ હતુ. જેથી વૃદ્ધો અને નિર્બળ લોકો ઑનલાઇન ખરીદી કરી શકે. ઓકાડોના બોસે પણ લોકોને કહ્યું હતુ કે ગભરાશો નહીં, કોઈ ભૂખે મરશે નહીં. એનએચએસ ઇંગ્લેન્ડના નેશનલ મેડિકલ ડાયરેક્ટર સ્ટીફન પોવિસે પેનિક બાયર્સ પર આરોપ મૂક્યો હતો કે તેઓ હેલ્થ કેર કર્મચારીઓને જરૂરી ખોરાક અને પુરવઠાથી વંચિત રાખે છે.

સુપરમાર્કેટ્સ વાયરસના સંવર્ધનનું કારણ બની શકે છે તેમ લાગતા ગ્રાહકો ઑનલાઇન તરફ વળ્યા છે. પરંતુ તેને પગલે હોમ ડિલિવરીના સ્લોટ્સ મળતા નથી. જે મોટા ભાગે એપ્રિલના મધ્ય સુધી ઉપલબ્ધ રહેશે નહીં. ઓકાડો સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરે છે અને પહેલા કરતા તેમની માંગ દસ ગણી વધારે છે. ઓનલાઇન ઓર્ડર હવે ગ્રાહક દીઠ સપ્તાહમાં એક જ વખત લેવાય છે અને અમુક આઇટમ્સ વ્યક્તિ દીઠ માત્ર બે જ આપવામાં આવે છે.

કોરોનાવાયરસગ્રસ્ત દેશોના લોકો માટે યુકેની સરહદો ખુલ્લી

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ઇટાલી અને ઈરાન જેવા વિશ્વવ્યાપી હોટસ્પોટ્સમાંથી યુકે આવતા કોરોનાવાયરસગ્રસ્ત લોકો માટે યુકેની સરહદો બંધ કરવાની હાકલ કર્યા પછી 10 ડાઉનીંગ સ્ટ્રીટે તે સૂચનને નકારી કાઢ્યુ હતુ. ન્યુ યોર્ક, તેહરાન, રોમ અને બેઇજિંગથી યુકે આવવા કેટલીક ફ્લાઇટ ગઈકાલે રવાના થઈ હતી. વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે , અન્ય રાષ્ટ્રો દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હોવા છતાં સરહદો બંધ કરવાથી કોઇ અસર પડે તેવા કોઈ પુરાવા નથી માટે તેઓ બ્રિટનની સરહદો સીલ કરવાની માંગને માનતા નથી.

રાતના 8 વાગ્યે હોસ્પિટલ સ્ટાફને તાળીઓથી વધાવ્યા

દેશના વિવિધ વિસ્તારમાં આજે રાત્રે બરાબર 8 વાગે એનએચએસ સ્ટાફ દ્વારા કરાતી સેવાની સરાહના કરવા દેશવાસીઓ દ્વારા તાળીઓના ગડગડાઠથી એનએચેસ સ્ટાફને વધાવી લેવામાં આવ્યા હતા.