ડ્યુક પ્રિન્સ વિલિયમ અને તેમના પત્ની ડચેસ ઑફ કેમ્બ્રિજ કેટ મિડલટન (Photo by TOLGA AKMENAFP via Getty Images)

પ્રિન્સ વિલિયમ અને કેટનું માનસિક આરોગ્ય અભિયાનને સમર્થન

ડ્યુક પ્રિન્સ વિલિયમ અને તેમના પત્ની ડચેસ ઑફ કેમ્બ્રિજ કેટ મિડલટને કોરોનાવાયરસ રોગચાળા વખતે હાલના સ્ટે-એટ-હોમ અને લૉકડાઉનના કારણે ચિંતા અને તાણ અનુભવતા લોકોને મદદ કરવા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)ના માનસિક આરોગ્ય અભિયાનને ટેકો આપ્યો છે.

લોકોને મિત્રો, કુટુંબીજનો સાથે ફોન અથવા સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેવા, ઉંઘવાની અને રોજીંદી દિનચર્યાનુ પાલન કરવા માટે નવી માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શિકા પ્રોત્સાહિત કરે છે. લોકોને એક નવો શોખ શરૂ કરવા, ઘરે કસરત કરવા, સ્વસ્થ ભોજન લેવા અને ધૂમ્રપાન અથવા દારૂ પીવાનું ટાળવા જણાવાયુ છે.

રોયલ્સે જણાવ્યુ હતું કે “આપણે એકબીજાને ટેકો આપવા અને આપણા માનસિક સ્વાસ્થ્યની દેખરેખ રાખવા માટેના રસ્તો કાઢવો પડશે અને સાથે મળીને સરળ પગલા દ્વારા આપણે બધા આગળના સમય માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકીશું.”

રેકિટ બેન્કાઇઝરના સીઈઓ નરસિમ્હનના મતે અસાધારણ સમય

વિશ્વની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપનીઓમાંની એક રેકિટ બેન્કાઇઝરના (આરબી) ચીફ એક્ઝિક્યુટિવ લક્ષ્મણ નરસિમ્હને એક વર્ષ પહેલાં કરેલી વ્યવસાયને વિભાજીત કરવાની યોજનાઓને હાલના સંજોગોમાં રદ કરી દીધી છે. કોવિડ -19 કટોકટીને કારણે કપનીના ડેટોલ સફાઇ ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે.

કંપનીએ ડર્બી, નોટિંગહામ અને હલમાં આવેલી રેકિટની ફેક્ટરીઓમાં ઉત્પાદન વધાર્યું છે. તાજેતરમાં રેકિટે £32 મિલિયન “ફાઇટ ફોર એક્સેસ” ભંડોળ રોગચાળા સામે લડવા માટે પાછળ ફાળવ્યા છે જે તેના તેના ઓપરેટિંગ પ્રોફિટના 1 ટકા જેટલા છે. વિશ્વના ફક્ત 17 ટકા લોકો સામાન્ય રીતે શૌચાલય ગયા પછી હાથ ધુએ છે. કંપનીએ હાથ ધોવાના મહત્વ અંગે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે.

લક્ષ્મણે જણાવ્યુ હતુ કે ‘’આ અસાધારણ સમય” છે. COVID-19 રોગચાળો ફાટી નીકળતાં તેમની પત્ની અને બે બાળકો ન્યુ યોર્કમાં ફસાયા છે અને 52 વર્ષિય સીઈઓ વેસ્ટ લંડનમાં તેમના બે-બેડરૂમના ઘરેથી વૈશ્વિક વેપાર ચલાવે છે. તે દરમિયાન, તેઓ તેમની 79 વર્ષની માતાની સંભાળ પણ રાખે છે.

નરસિમ્હન સપ્ટેમ્બર 2019માં પેપ્સિકોથી રેકિટમાં જોડાયા હતા. કંપની 60 દેશોમાં 40,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે, જેમાંથી 4,000 બ્રિટનમાં છે. નરસિમ્હન ભારતમાં જન્મેલા છે અને ભારત તથા અમેરિકામાં ભણેલા છે. તેમણે લગભગ બે દાયકા મેકિન્ઝીમાં વિતાવ્યા હતા અને 2012 માં પેપ્સિકોમાં જોડાયા હતા.

COVID-19 સામે વિશ્વની સરકારોએ એક સાથે લડવુ પડશે: નિરજ દેવા

20 વર્ષ સુધી યુરોપિયન સંસદ અને બ્રિટીશ હાઉસ ઑફ કૉમન્સના સભ્ય નિરજ દેવા, DL એ COVID-19 દ્વારા વિશ્વની કઠોર વાસ્તવિકતાઓ અને ઉભી થયેલી ધમકીઓ વિષે ઉલ્લેખ કરી જણાવ્યુ હતુ કે ‘’આ વાયરસને કોઈ સીમાઓ નડતી નથી કે ન તો તે કોઇ જાતિ અને ભોગ બનનારા લોકોની સામાજિક સ્થિતિને જાણે છે. આ વૈશ્વિક વાયરસ ખૂબ જ  ઝડપી છે અને તેની સામે એક સાથે વૈશ્વિક પ્રતિભાવ અપાશે તો જ તેના પર કાબુ મેળવી શકાશે. તે ફરીથી પ્રહાર કરી વિશ્વભરના હજારો લોકોના મોત નિપજાવે તે પહેલા વૈશ્વિક કાર્યવાહી અને વૈશ્વિક એકતાની જરૂર છે.‘’

12 વર્ષ યુરોપિયન સંસદની આંતરરાષ્ટ્રીય વિકાસ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ રહેલા દેવાએ જણાવ્યુ હતુ કે ‘’30 વર્ષો સુધી મેં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને માનવતાવાદી રાહત અને વિકાસ માટે કાર્યો કર્યા છે પરંતુ હું ક્યારેય માનતો ન હતો કે આ દિવસ આવશે. આ સમસ્યા માત્ર એક બે દેશોના પગલા લેવાથી નહિ ઉકેલાય. તે માટે આખી દુનિયાના દેશોએ એક સાથે એકમત થઇને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક વડા પ્રધાન અને દરેક રાષ્ટ્રપતિએ વાયરસની નાબૂદી માટે સામાન્ય લોકડાઉન પ્રોગ્રામ સાથે સંમત થવુ પડશે. દરેક દેશ તેનુ પાલન કરે અને જ્યાં ઉપકરણો, તબીબી સામગ્રી, પરીક્ષણ કીટનો અભાવ છે ત્યાં તે પૂરી પાડવામાં આવે તે જરૂરી છે.

કર્મચારીઓ બે વર્ષ સુધી રજા જમા કરી શકશે

કોવિડ – 19થી અસરગ્રસ્ત થયેલા મહત્વના બિઝનેસીસ અને ઉદ્યોગોમાં આગામી મહિનાઓમાં કર્મચારીઓની અછત ન સર્જાય તે માટે કર્મચારીઓ તેમને મળતી વાર્ષિક રજાઓ આગામી બે વર્ષ સુધી જમા કરાવી શકશે અને તે પછી તેઓ તે રજાઓ ભોગવી શકશે. આમ કોવિડ – 19 દ્વારા જે લોકો રજા લઇ શક્યા નથી તેમની રજાઓ જમા થશે. આ રજાઓમાં બેન્ક હોલીડેઝનો સમાવેશ પણ થાય છે.

એન.એચ.એસ.ના કર્મચારીઓ, સુપરમાર્કેટ સ્ટાફ, પોલીસ અધિકારીઓ અને ડિલિવરી ડ્રાઇવરો આ યોજનાનો નોંધપાત્ર લાભ લે તેવી સંભાવના છે. નવા નિયમો અનુસાર આગામી બે વર્ષમાં ચાર અઠવાડિયા સુધીની નહિ વપરાયેલી રજાઓ આગળના વર્ષમાં લઇ જવાની મંજૂરી આપવામાં આવશે.

લોકડાઉન ‘મૃત્યુ દર ઘટાડવા માટેનો માર્ગ’

બ્રિટનના વૈજ્ઞાનિકો માને છે કે લૉકડાઉન કોરોનાવાયરસની અસર ઘટાડવામાં સફળ થઈ રહ્યું છે અને નિષ્ણાતો માને છે કે બ્રિટનમાં કોરોનાવાયરસથી અંદાજે 5,7૦૦ મૃત્યુ થશે જે મૂળ આગાહી કરતા ઘણા ઓછા છે.

ઇમ્પીરિયલ કોલેજ લંડનના ટોમ પાઇકે જણાવ્યું હતું કે ‘’જો ચીનના માર્ગ પર યુકે ચાલશે તો આશરે 260,000ની જાનહાનિ થશે. પરંતુ સરકારની વ્યૂહરચના કાર્યરત બની છે અને સામાજિક અંતર ઘણા દેશોમાં અસરકારક પેરાશૂટ તરીકે કામ કરી રહ્યું છે. આપણે હજૂ પણ જમીનથી ઉપર છીએ ત્યારે પેરાશૂટને કાપી નાખવા માટે કોઇ કારણ નથી.”

ઇમ્પિરિયલના જ નીલ ફર્ગ્યુસનના જણાવ્યુ હતુ કે ‘’જો બ્રિટને ઓછા પ્રતિબંધિત હસ્તક્ષેપની અગાઉની નીતિ જાળવી રાખી હોત તો 260,000 લોકોના મરણ થયા હોત અને કશું જ ન કર્યુ હોત તો 510,000ના મરણ થયા હોત. પરંતુ સરકારે શાળાઓ બંધ કરતા અને દેશવ્યાપી સામાજિક અંતર અમલી બનાવતા મૃત્યુની સંખ્યા 20,000ની નીચે રાખવામાં સફળ રહેશે.’’

ચાઇનાની જેમ જ બ્રિટન પણ સામાજિક અંતરના માર્ગને અનુસરશે તો પણ રોગચાળો ટોચ પર હશે ત્યારે બ્રિટનમાં એક દિવસમાં 250થી વધુ મૃત્યુ થશે. પરંતુ ઇટાલીના દિવસના 1,300 મોત કરતા ઘણા ઓછા મૃત્યુ થશે.

વૈજ્ઞાનિકોના શ્રેષ્ઠ અનુમાન મુજબ બ્રિટનમાં 5,700, ચીનમાં 4,000 ઇટાલીમાં 28,000 અને સ્પેનમાં હાલના દરે 46,000 લોકોના મૃત્યુ થઇ શકે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડેટા મુજબ બ્રિટનમાં સામાજિક અંતર જાળવવાને પગલે હોસ્પિટલની એક્સીડન્ટ એન્ડ ઇમરજન્સી વિભાગમાં રોજના 25,000 દર્દીઓ આવતા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે તે સંખ્યા ઘટીને 17,000 થઈ ગઈ છે. જો કે અમુક લોકો કોરોનાવાયરસના ચેપના ડરે આવવાનુ ટાળી રહ્યા છે.

કોરોનાવાયરસ રોગચાળાને કારણે વૈશ્વિક મંદી

કોરોનાવાયરસ રોગચાળાને લીધે વિશ્વ આખાને વિનાશક અસરનો સામનો કરવો પડી રહ્યો છે અને વિશ્વએ સ્પષ્ટપણે મંદીમાં પ્રવેશ કર્યો છે તેમ ઇન્ટરનેશનલ મોનીટરી ફંડે (આઈએમએફ) જણાવ્યુ છે. જો કે આવતા વર્ષે સુધારો થવાનો અંદાજ છે.

આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘’અમે 2020 અને 2021ની વૃદ્ધિની સંભાવનાઓનું ફરીથી મૂલ્યાંકન કર્યું છે અને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે 2009ની તુલનામાં ખરાબ અથવા અતિશય ખરાબ મંદીમાં દાખલ થઇ ચૂક્યા છીએ. 2021માં રીકવરી જોઇ શકીએ છીએ.‘’

વિશ્વની બાકીની અદ્યતન અર્થવ્યવસ્થાઓની જેમ યુએસ મંદીમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થાના અચાનક બંધ થવા પાછળ નાદારી અને લોકોની નોકરીઓ જવાનુ વ્યાપક જોખમ જવાબદાર છે અને તે રીકવરીને નબળી બનાવી શકે છે અને આપણા સમાજના ફેબ્રિકને ક્ષીણ કરી શકે છે.  આવું ન થાય તે માટે ઘણા દેશોએ અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા દૂરના પગલાં લીધાં છે.