બિહારના પાટનગર પટનામાં ચીનથી પરત ફરેલી એક યુવતીને પટના મેડિકસ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH)માં દાખલ કરવામાં આવી છે. યુવતી બિહારના છપરાની રહેવાસી છે અને થોડા દિવસ પહેલા જ ચીનથી પરત ફરી હતી. યુવતીને પહેલ છપરાની એક હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયન સ્થાનીક ડોક્ટર્સને જાણ થઈ કે યુવતીની બીમારીના લક્ષણો કોરોના વાયરસ સાથે મળતા આવે છે. ત્યારબાદ ડોક્ટર્સે તેને પટનાની પીએમસીએચમાં ખસેડવા માટે સૂચવ્યું હતું. હાલમાં પટના મેડિકસ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH)માં યુવતીની સારવાર ચાલી રહી છે.

આ અગાઉ રવિવારના રોજ જયપુરમાં પણ કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવક ચીનમાં અભ્યાસ કરી રહ્યો છે અને કોઈ કારણસર જયપુર આવ્યો હતો. હાલમાં જયપુરની એમએમએસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, જયપુરના એસએમએસ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડીએસ મીણાએ આ મામલાની પુષ્ટી કરી છે કે એક દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

ચીનમાં ફેલાઈ રહેલો જીવલેણ કોરોના વાયરસ સતત ખતરનાક થઈ રહ્યું છે અને તે સતત ફેલાઈ રહ્યો છે. ચીનના સ્વાસ્થ્ય વિશેષજ્ઞએ આને ખૂબ જ ખતરનાક વાયરસની શ્રેણીમાં રાખ્યો છે. આ વાયરસની સૌથી ચિંતાજનક વાત એ છે કે આ બિમારીમાં કોઈ લક્ષણ જોવા નથી મળતા અને આ વાયરસ લોકોને પોતાની લપેટમાં લઈ રહ્યો છે.

ચીનમાં આનો ભય એટલી હદે ફાલઈ ગયો છે કે વુહાનમાં લોકોને તેમના ઘરોની અંદર જ ‘કેદ’ કરવામાં આવ્યા છે. આ શહેરમાંથી કોઈને બહાર નિકળવાની પણ પરવાનગી નથી આપવામાં આવી. પેઈચિંગમાં લોકોને એક-બીજા સાથે હાથ નહીં મિલાવવાની સલાહ આપવામાં આવી છે. ચીનમાં આ બીમારીમાં 80થી વધારે લોકો મોતને ભેટ્યા છે.