ન્યૂઝીલેન્ડે માઉન્ટ માઉનગુઈ ખાતેની અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવીને 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો વન-ડેમાં ત્રણ કે તેથી વધુ વનડેની સીરિઝમાં 30 વર્ષ પછી વ્હાઇટવોશ થયો છે. છેલ્લે 1989માં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 5-0થી હરાવ્યું હતું. અંતિમ વન-ડેમાં 297 રનનો પીછો કરતા કિવિઝે 47.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર હેનરી નિકોલ્સે કારકિર્દીની 11મી અને સીરિઝમાં બીજીવાર 50 રન કર્યા હતા. તેણે 103 બોલમાં 9 ફોરની મદદથી 80 રન કર્યા હતા. માર્ટિન ગપ્ટિલે વન-ડે કરિયરની 37મી ફિફટી ફટકારી હતી. તેણે 46 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. જ્યારે ગ્રાન્ડહોમે 21 બોલમાં ફિફટી મારીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી.
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે 50 ઓવરમાં 7 વિકેટે 296 રન કર્યા છે. વિકેટકીપર લોકેશ રાહુલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા વન-ડેમાં ચોથી સદી કરી હતી. તેણે 113 બોલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 112 રન કર્યા હતા. તેના સિવાય શ્રેયસ ઐયરે કરિયરની આઠમી ફિફટી ફટકારતા 63 બોલમાં 9 ફોરની મદદથી 62 રન કર્યા હતા. તેમજ મનીષ પાંડેએ છઠ્ઠા ક્રમે 42 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે અને રાહુલે પાંચમી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે હેમિશ બેનેટે 4 વિકેટ લીધી હતી.
શ્રેયસ ઐયર નિશમની બોલિંગમાં ગ્રાન્ડહોમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે વનડેમાં આઠમી ફિફટી ફટકારતા 63 બોલમાં 9 ફોરની મદદથી 62 રન કર્યા હતા. પૃથ્વી શોએ ફાઈન લેગ પર શોટ મારીને 1 રન જ હતો ત્યાં બીજા રન માટે દોડવા જતા વિકેટ ગુમાવી હતી. તે 40 રને ગ્રાન્ડહોમ લેથમ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે પોતાની 42 બોલની ઇનિંગ્સ દરમિયાન 3 ફોર અને 2 સિક્સ મારી હતી. તે પહેલા કેપ્ટન વિરાટ કોહલી 9 રને બેનેટની બોલિંગમાં થર્ડમેન પર જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ઓપનર મયંક અગ્રવાલ 1 રને જેમિસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને આ ત્રીજી વન-ડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. કિવિઝની ટીમમાં કપ્તાન કેન વિલિયમ્સન અને મિચેલ સેન્ટનરની વાપસી થઇ છે. તેઓ માર્ક ચેપ્મેન અને ટોમ બ્લેંડેલના સ્થાને રમ્યા હતા છે.