ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની બોલતી છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. એટલે કે સતર્કતા વર્તતા તે છેલ્લા ત્રણ વર્ષથી કોઈની પણ સાથે ફોન પર વાતચીત નથી કરી રહ્યો. તેથી હવે ભારતીય ખુફિયા એજન્સીઓ તેનો અવાજ સાંભળવા માટે તલપાપડ થઈ રહી છે. છેલ્લે દિલ્હી પોલીસે દાઉદના ફોન કોલ્સ નવેમ્બર 2016માં ઈન્ટસેપ્ટ કર્યા હતા.

દિલ્હી પોલીસે દાઉદના ફોને ઈન્ટસેપ્ટ કરીને તેના ફોન કોલનું 15 મિનિટનું રેકોર્ડિંગ કર્યું હતું. દિલ્હી પોલીસના જાસૂસોએ તેના કરાચી સ્થિત નંબર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી કોલ રેકોર્ડ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ એશિયાના સૌથી કુખ્યાત આરોપી ડી-કંપનીના બોસ પોતાના એક સહયોગી સાથે વાત કરી રહ્યો હતો, જો કે હજી સુધી તે સહયોગીની ઓળખ નથી થઈ શકી.

દિલ્હી પોલીસના એક આઈપીએસ અધિકારીએ જણાવ્યું કે વાતચીત દરમિયાન એવું લાગ્યું કે તેણે દારૂ પીધેલો હતો કારણકે તેમાં તેનો અવાજ અટકી અટકીને સંભળાઈ રહ્યો હતો. 15 મિનિટની વાતચીતમાં અંડરવર્લ્ડની કોઈ ગતિવિધીઓની યોજનાઓનો ઉલ્લેખ નહતો થયો, આ કોલમાં તેમણે અંગત વાતચીત જ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે મધ્ય-પૂર્વ અને યુરોપમાં ડી-કંપનીના ગેરકાયદેસરના ધંધા પર અંકુશ લગાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દ્વારા દર્શાવવામાં આવેલી સક્રિયતા બાદ દાઉદ અને તેના ભાઈ અનીસ ઈબ્રાહિમ ફોનનો ઉપયોગ કરવાનું સતત ટાળી રહ્યા છે. આટલું જ નહીં, દાઉદના ખાસ છોટા શકીલ દ્વારા મુંબઈના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓને ધમકાવવા અને ખંડણી ઉઘરાવવા માટે થતા ફોન કોલ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.