યુકેમાં કોરોના વાયરસના ખપ્પરમાં આજે વધુ 684 લોકો હોમાઇને મોતને ભેટ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 684 લોકોના મોત સાથે કોરોનાવાયરસના કારણે મોતને ભેટાલા કમનસીબ લોકોનો મરણ આંક 3,605 સુધી પહોંચી ગયો છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ચેતવણી આપી છે કે ઇસ્ટર દરમિયાન યુકેમાં ભયાનક કોરોનાવાયરસના કારણે દરરોજ 1,000 લોકોના મૃત્યુ થઈ શકે છે. લંડનમાં 161 અને મિડલેન્ડ્સમાં 150 લોકોના મોત નિપજ્યાં હતાં. છેલ્લા 24 કકલાક દરમિયાન પરીક્ષણ કરાવનારા 4,450 લોકોને કોરાનાવયરસનો ચેપ લાગ્યો હોવાનુ જણાયુ હતુ જે સાથે કુલ પોઝીટીવ લોકોની સંખ્યા વધીને હવે 38,168 થઇ છે. છેલ્લા 24 કલાકમાં મરણ પામનારા બદનસીબોની કુલ સંખ્યામાં 20 ટકાનો વધારો નોંધાયો હતો અને COVID-19થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક અઠવાડિયામાં પાંચ ગણી વધી ગઈ છે. ગયા શુક્રવારે, 27 માર્ચના રોજ દેશનો કુલ મરણઆંક 759 હતો જે આજે 3605 થઇ ગયો છે.

કોરોનાવાયરસના કારણે મંગળવારથી દરરોજ મોટા પ્રમાણમાં મૃત્યુની સંખ્યા જોવા મળી રહી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 2,377 પર પહોંચી છે. પરંતુ એક આશાનુ કિરણ એ છે કે નવા દર્દીઓની સંખ્યા માર્ચ માસના અંતથી ધીમી ગતિએ આગળ વધી રહી છે. માર્ચ માસની મધ્યમાં જોવા મળતો આશરે 25% જેટલો દર્દીઓનો વધારો હવે દૈનિક 15%ના દરે જ થઇ રહ્યો છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આજે સ્વીકાર્યું છે કે, ઇસ્ટર સન્ડે સુધીમાં દરરોજ મરણ પામનારા લોકોની સંખ્યા ૧,૦૦૦થી વધુ થઇ જશે અને સંભવિતપણે આગળ જતા આગામી સપ્તાહમાં હજુ પણ વધુ ખરાબ પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવના છે.  દેશમાં ગયા અઠવાડિયે સંપુર્ણપણે તાળાબંધી થતા પહેલા બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો. આજ કાલમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં જે વધારો જોવા મળી રહ્યો છે તે ‘અપેક્ષિત’ છે એમ વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુ.

નિષ્ણાતો કહે છે કે સામાજિક અંતર રાખવાના ફાયદા એનએચએસના આંકડામાં દેખાતા બીજા કેટલાંક અઠવાડિયા લાગી શકે છે અને રોગચાળો તેની ચરમસીમાએ પહોંચી ગયા પછી દર્દીઓની સંખ્યામાં દૈનિક ઘટાડો થવાનું શરૂ થઈ જશે.

એનએચએસની મોટાભાગની હોસ્પિટલ્સ અત્યાર સુધી તાણનો સામનો કરી રહી છે. પરંતુ હજી પણ ઇન્ટેન્સીવ કેર બેડ અને દર્દીઓ માટે જરૂરી વેન્ટિલેટર હજૂ પણ જરૂર હોય તેમને મળી શકે છે.

પ્રિન્સ ઑફ વેલ્સ ચાર્લ્સે કોરોનાવાયરસના દર્દીઓ માટે ઇસ્ટ લંડનના એક્સેલ સેન્ટર ખાતે નવી એનએચએસ નાઈટીંગેલ હોસ્પિટલને 530 માઇલ દૂર સ્કોટલેન્ડથી જનતાની સેવા માટે ખુલ્લી મૂકી હતી. બીજી તરફ આરોગ્ય વિભાગના વડાઓએ લૉક-ડાઉન થયેલા બ્રિટનના નાગરીકોને વિનંતી કરી હતી કે આ વિકએન્ડમાં મિનિ-હીટવેવ દેશમાં આવી રહ્યો છે ત્યારે સૌ ઘરે બેઠાં રહીને કોરોનાવાયરસના રોગચાળા સામે લડવામાં મદદ કરે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે કોરોનાવાયરસ માટે 173,784 લોકોની તપાસ કરવામાં આવી છે. ગુરુવારે 7,651 લોકોની તપાસ કરવામાં આવી હતી. એન.એચ.એસ. ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 604 હતી અને તેમાં 24 થી 100 વર્ષની વયના દર્દીઓ હતા.

COVID-19ના કારણે મોતને ભેટેલા 34 દર્દીઓ સંપૂર્ણપણે તંદુરસ્ત હતા અને તેમણે એ દાવાને ખોટો ઠેરવ્યો હતો કે ફક્ત લાંબા ગાળાની બીમારીઓવાળા યુવાનો જ ચેપથી મરે છે.

કોરોનાવાઈરસથી ક્યાં કેટલા મૃત્યુ થયા?

લંડન: 161
મિડલેન્ડ્સ: 150
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ: 88
ઇસ્ટ ઇંગ્લેંડ: 66
નોર્થ ઇસ્ટ અને યોર્કશાયર: 62
સ્કોટલેન્ડ: 46
સાઉથ ઇસ્ટ ઇંગ્લેંડ: 41
સાઉથ વેસ્ટ ઇંગ્લેંડ: 36
વેલ્સ: 24
નોર્ધર્ન આયર્લેન્ડ: 12
કુલ મરણ આંક: 686

 

વિશ્વવ્યાપી કોરોનાવાયરસ કટોકટી

  • યુ.એસ.માં રોગચાળો ફાટી નીકળતાં અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઇટાલી અને સ્પેનમાં સતત વધી રહી છે ત્યારે વૈશ્વિક કોરોનાવાયરસના કેસોની સંખ્યા એક મિલિયન કરતા વધી ગઇ છે.
  • બ્રિટનના સૌથી નાના કોરોનાવાયરસ પીડિત 13 વર્ષીય ઇસ્માઇલ મોહમ્મદ અબ્દુલવહાબના અંતિમ સંસ્કારમાં તેના પરિવારજોનો ભાગ લઇ શકશે નહિ. તેના ભાઈ અને બહેનમાં લક્ષણો વિકસિત થયા પછી તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે.
  • વોલસોલની 36 વર્ષની ફ્રન્ટલાઈન નર્સ અરીમા નસરીન મૃત્યુ પામનાર દેશની સૌથી નાની વયની હેલ્થ વર્કર છે. તેણી મિડલેન્ડ્સમાં વોલસોલ મેનોર હોસ્પિટલમાં સેવા આપતી હતી અને ચતે જ હોસ્પિટલમાં મોતને ભેટી હતી. ત્રણ બાળકોની માતા અરીમા નસરીનને સૌએ શ્રદ્ધાંજલિ આપી હતી.
  • હિથ્રો એરપોર્ટ જાહેરાત કરી હતી કે મુસાફરોના રોષની વચ્ચે એક જ રનવે સાથે તે કાર્યરત રહેશે.