રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ વચ્ચે આગામી સમયમાં બોક્સ-ઓફિસ પર જંગ જોવા મળી શકે છે. વાસ્તવમાં સંજય લીલા ભણસાળીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘બૈજુ બાવરા’માં ટાઇટલ રોલ પ્લે કરવા માટે રણવીર સિંઘની પસંદગી કરવામાં આવી છે. દિવાળીમાં ભણસાળી પ્રોડક્શન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ અને ‘બૈજુ બાવરા’ની જાહેરાત કરવામાં આવી હતી. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આવતા વર્ષે અગિયારમી સપ્ટેમ્બરે રિલીઝ થશે જ્યારે ‘બૈજુ બાવરા’ 2021ના દિવાળી વીકમાં રિલીઝ થશે. મજેદાર વાત એ છે કે, થોડા દિવસ પહેલાં જ દીપિકા પાદુકોણે તેની આગામી ફિલ્મ 2021ની દિવાળી પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં દ્રૌપદીના દૃષ્ટિકોણથી મહાભારત રજૂ કરાશે. આ ફિલ્મને દીપિકા જ પ્રોડ્યૂસ કરી રહી છે. વાસ્તવમાં દીપિકા અને રણવીરની ફિલ્મ્સ બોક્સ-ઓફિસ પર ટકરાશે એ જોવું મજેદાર રહેશે. જોકે, દીપિકા અને સંજય લીલા ભણસાળી વચ્ચે પણ ખૂબ જ સારું બોન્ડિંગ છે. એટલે આ ક્લેશને ટાળવામાં આવે એવી શક્યતા નકારી ન શકાય.