દીપિકા પદુકોણની આ વરસે રિલીઝ થયેલી ફિલ્મ ‘છપાક’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. એસિડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલ પર આધારિત સત્ય ઘટના પરથી બનેલી આ ફિલ્મની સફળતાની આશા અભિનેત્રીથી લઇ નિર્માતા-દિગ્દર્શકને હતી, જે અંતે ઠગારી નીવડી હતી. તેની આગામી ફિલ્મ હૃતિક રોશન સાથે હશે તેવી ચર્ચા થઇ રહી છે.

હાલમાં જ દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં હૃતિક રોશન સાથે કામ કરવા અંગે કહ્યું હતું કે, ” હું હૃતિક સાથે ક્રિષ ૪’માં કામ કરવાની છું એ વાત મારા માટે પણ એક ન્યુઝ સમાન છે. હૃતિક એક ટેલન્ટેડ કલાકાર છે અને તેની સાથે કામ કરવામાં મને કોઇ સમસ્યા નથી. દીપિકાની આ વાતથી લોકો એવું માની રહ્યા છે કે, તે હૃતિક સાથે ‘ક્રિષ ૪’માં જોડી બનાવવાની છે. હૃતિક અને દીપિકા બોલીવૂડના સમ્માનીય અને ટેલન્ટેડ એકટર્સ છે.

બોલીવૂડના નિર્માતા-દિગ્દર્શકો આ નવી જોડીને રૂપેરી પડદે ચમકાવે તેવી શક્યતા છે. જોકે દીપિકા અને હૃતિકનું નામ ‘સત્તે પે સત્તા’ની રિમેક માટે પણ ચર્ચાયું હતું. જોકે પછીથી હૃતિકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન પડતા તેણે કામ કરવાની ના પાડી દીધી હતી.