મીકા સિંહ બાદ પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ વિવાદમાં ફસાઇ શકે છે. દિલજીત અમેરિકામાં એક પ્રોગ્રામ કરવાનો છે. તેના આ પ્રોગ્રામ અંગે ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોઇઝ(એફડબલ્યુઆઇસીઇ)એ વિરોધ વ્યક્ત કર્યો છે. એફડબલ્યુઆઇસીઇએ વિદેશ મંત્રાલયને પત્ર લખીને દિલજીતના આ પ્રોગ્રામની સાથે વીઝા રદ કરવાની માગણી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાનના રેહાન સિદ્દીકીએ દિલજીતને પરફોર્મ કરવાનુ આમંત્રણ આપ્યું હતું. જેને દિલજીતે સ્વીકાર્યું હતું. જોકે આ મામલે વિવાદ વકર્યો હોવાનું જણાતા દિલજીતે શો મોકુફ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. ભારે વિરોધને પગલે દિલજીતે ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે તેને એફડબલ્યુઆઈસીઇ દ્વારા કોઈ નોટિસ મળી નથી પરંતુ આ અંગેના અહેવાલ વાંચ્યા બાદ તેણે શો મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.

એફડબલ્યુઆઇસીઇ દ્વારા લખાયેલા પત્ર મુજબ, અમેરિકામાં એક ઇવેન્ટ યોજનાર છે. આ પ્રોગ્રામ માટે દિલજીતે પાકિસ્તાનના રેહાન સિદ્દીકીનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ પ્રોગ્રામ આ મહીનાની 21 તારીખે યોજાશે. દિલજીત દોસાંજ એક શ્રેષ્ઠ સિંગર છે પરંતુ તે સિદ્દીકીની વાતમાં આવી ગયા છે. એક્ટર-સિંગર જો આ પ્રોગ્રામમાં સામેલ થાય છે તો બન્ને દેશ(ભારત-પાકિસ્તાન)ની હાલની સ્થિતિે જોઇને એક ખોટું ઉદાહરણ રજૂ થશે.

એફડબલ્યુઆઇસીઇએ વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ દિલજીત દોસાંજના વીઝાને રદ કરે. તેઓ આ પત્ર લખીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે, આશા કરીએ છે કે સરકાર આ મામલે યોગ્ય પગલા લેશે. રેહાન સિદ્દીકીએ મીકા સિંહના પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કર્યો હતો. મીકા સિંહે પરવેઝ મુશર્રફના એક સંબંધીના લગ્નમાં પરફોર્મ કર્યું હતું. ઇવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દેશભરમાં તેની ટિકા કરી હતી.