અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે ઓચિંતા જ અફઘાનિસ્તાન પહોંચી ગયા હતા. થેંક્સગિવિંગ ડેના અવસરે ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે મોરચો માંડીને બેઠેલા અમેરિકન લશ્કરનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ત્યાં અઢી કલાક ગાળ્યા હતા.

આ ટ્રમ્પની સૌપ્રથમ અફઘાનિસ્તાન મુલાકાત છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ મુલાકાતની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નહતી. સુરક્ષાના કારણોસર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને પણ ટ્રમ્પ આવી રહ્યા હોવાની માહિતી તેમના લેન્ડિંગના થોડા સમય પૂર્વે જ અપાઈ હતી.

અમેરિકામાં નવેમ્બર માસનો ચોછો ગુરુવાર થેંક્સગિવિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં રજા હોય છે. આ દિવસે લોકો પોતાના પરિચિતો, મિત્રો, પરિવારના સભ્યો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. 1789માં કોંગ્રેસ (અમેરિકન સંસદ)ના આગ્રહ બાદ પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને થેંક્સગિવિંગ ડેની શરૂઆત કરી હતી.

ટ્રમ્પે કાબુલ સ્થિત બગરામ એરફીલ્ડ પર હાજર સૈનિકો સાથે મુલાકાત કરી હતી. સૈનિકો સાથે ડિનર પણ કર્યું હતું અને સેલ્ફી પણ પડાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ સૈનિકોને જણાવ્યું કે હું તમારી સાથે પછી વાત કરીશે પહેલા હું ભોજન લેવા ઈચ્છું છું. ત્યારબાદ ટ્રમ્પે પોતાના સમકક્ષ રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે પણ મુલાકાત કરી હતી.

અમેરિકન લશ્કરના સૈનિકોને અફઘાનના રાષ્ટ્રપતિએ પણ સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે અમેરિકન સૈન્યની મદદ અને અફઘાન સૈન્યની બહુદારીથી જ આઈએસને પરાસ્ત કરવાનો માર્ગ મોકળો થયો છે.