બહામાસમાં વિનાશ વેર્યા બાદ ડોરિયન વાવાઝોડું ગયા સપ્તાહે અમેરિકામાં ત્રાટક્યું હતું. ઉત્તર અને દક્ષિણ કેરોલાઇનામાં દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતાં અસંખ્ય ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.
બહામાસમાં ત્રાટક્યા પછી ડોરિયન વાવાઝોડું અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં ત્રાટક્યું હતું. દક્ષિણ કેરોલિનાના ચાર્લ્સટન શહેરમાં પૂર આવ્યું હતું. બહામાસમાં વાવાઝોડામાં અત્યાર સુધીમાં 46 લોકોનો જીવ ખોવાયો છે. મૃત્યુ આંક હજુ પણ વધારે હોવાની શક્યતા છે.
અમેરિકાના દક્ષિણ કેરોલિના, ઉત્તર કેરોલિના, ફ્લોરિડા ઉપરાંત વર્જિનિયા સુધી ડોરિયન ત્રાટકે એવી શક્યતાના પગલે એલર્ટ જારી કરાયો હતો. 2 લાખ કરતા વધુ લોકોએ વીજળી વિહોણી રાત વીતાવી હતી અને અસંખ્ય લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા હતા.
ડોરિયનની તીવ્રતા થોડીક ઓછી થઈ હતી. 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જે પવન દરિયામાં ફૂંકાતો હતો, તે ઘટીને 95 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયો હતો એટલે થોડીક રાહત થઈ હતી.ચાર્લ્સટન શહેરમાં પૂર આવ્યું હતું એટલે લોકોએ અદ્ધરજીવે, અંધારપટ્ટમાં રાત વીતાવી હતી. દક્ષિણ કેરોલિનાના ઈમરજન્સી મેનેજમેન્ટના કહેવા પ્રમાણે દક્ષિણ કેરોલિનાના અમુક નાનકડા શહેર-ટાઉનોમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કેટલાય વૃક્ષો ધરાસાઈ થયા હતા અને રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ વગેરેને ભારે નુકસાન થયું હતું. ઉત્તર અને દક્ષિણ કેરોલિનાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં 4થી 10 ઈંચ સુધીનો ભારે વરસાદ થયો હતો.
શરૂઆતમાં જ એલર્ટ જારી કરાયો હોવાથી મોટાભાગના લોકો સલામત સ્થળે જતા રહ્યા હતા. છતાં આ વાવાઝોડાંના કારણે ત્રીસેક લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો હોવાથી અસંખ્ય ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના કહેવા પ્રમાણે લગભગ 2 લાખ લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યાં હતા.
ઉત્તર કેરોલિના અને દક્ષિણ કેરોલિનામાં સૌથી વધુ અસર થવાની શક્યતા હતી. તે ઉપરાંત ફ્લોરિડા તરફ પણ આ વાવાઝોડું ત્રાટકે એવી શક્યતા વ્યક્ત થઈ હતી. એમ તો વર્જિનિયા સુધીના દરિયાકાંઠે એલર્ટ જારી કરાયો હતો. 1996 પછી આ વાવાઝોડું સૌથી ખતરનાક હોઈ શકે એવી આગાહી પણ કરવામાં આવી હતી.
વરસાદ સાથે ત્રાટકેલા આ વાવાઝોડાંના કારણે ભયાનક પૂર આવવાની પણ શક્યતા છે. આ વાવાઝોડું ત્રાટકે એવી ચેતવણી અપાઈ હોવાથી પ્રમુખ ટ્રમ્પે પોલેન્ડની મુલાકાત પણ રદ્ કરી હતી. ટ્રમ્પે પ્રભાવિત રાજ્યોના ગર્વનરો સાથે વાતચીત કરીને બચાવ ટૂકડીઓનો અહેવાલ જાણ્યો હતો.