અમેરિકા નજીક બહામાસ સહિત અન્ય વિસ્તારોમાં વાવાઝોડા ડોરિયનના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે. વડાપ્રધાન હુબર્ટ મિનિસે આ વિશે મીડિયાને માહિતી આપી છે. આ પહેલાં ઓફિશિયલ રીતે 20 લોકોના મોત થયા હોવાની માહિતી આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, ગ્રાન્ડ બહામાસ અને અબૈકો દ્વીપના 70 હજાર લોકોને મદદની જરૂર છે. અહીં કાટમાળમાં ઘણાં લોકો દબાયા હોવાની શંકા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે ડોરિયન કેટેગરી 2 વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું ગુરુવાર-શુક્રવાર દરમિયાન 185 કિમીની ઝડપથી ઉત્તીર અને દક્ષિણ કૈરોલિના તરફ આગળ વધ્યું છે. તે શુક્રવાર-શનિવાર દરમિયાન રાત્રે લેન્ડફોલ કરી શકે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને દરિયાઈ વિસ્તારના લોકોને મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે.ચાર્લ્સટન કાઉન્ટીમાં 30 હજારથી વધારે લોકો અંધારામાં છે. 70 હજાર લોકોની વીજળી કાપની મુશ્કેલી સહન કરવી પડે છે. 1500 લોકોને 28 શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તે સિવાય 8.5 લાખ લોકોને દરિયાઈ કિનારાથી સુરક્ષીત સ્થાન પર જવાનો આદેશ આપ્યો છે.