ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 1984ના શીખ રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તત્કાલીન ગૃહમંત્રી પીવી નરસિમ્હા રાવે ઈન્દ્રકુમાર ગુજરાલની સલાહ માની લીધી હોત તો દિલ્હીમાં નરસંહારને ટાળી શકાયો હોત. બુધવારે દિલ્હીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ગુજરાલની 100મી જયંતી પર આયોજીત કાર્યક્રમમાં મનમોહન સિંહે આ વાત કરી છે. ભૂતપૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે, દિલ્હીમાં જ્યારે 84ના શીખ રમખાણો થયા હતા ત્યારે ગુજરાલજી ગૃહમંત્રી નરસિમ્હા રાવની પાસે ગયા હતા. તેમણે રાવને કહ્યું હતું કે સ્થિતિ એટલી ગંભીર છે કે સરકારે વહેલી તકે સેનાને તહેનાત કરવી જોઇએ. જો રાવે ગુજરાલની સલાહ માનીને યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ 1984ના નરસંહારને ટાળી શકાયો હોત. 1984માં શીખ સુરક્ષાકર્મીઓ દ્વારા તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં લગભગ 3,000 શીખોના મોત થયા હતા. 3000માંથી 2700 શીખોની હત્યા માત્ર દિલ્હીમાં જ થઈ હતી.