હાઈફિલ્ડ્સના મેડવે સ્ટ્રીટ ખાતે રહેતો 25 વર્ષનો યુનિવર્સિટી ડ્રોપ-આઉટ મેહેદી ચૌધરી પોતાની આદતને પોષવા માટે ગાંજાનુ વેચાણ કરવા તરફ અને ફાવટ આવી જતાં પોતાના ગ્રાહકોનું લાંબુ લીસ્ટ બનાવીને ખુદ ડ્રગ ડિલર બની ગયો હતો. તેણે 2016ના અંતથી મે 2018 સુધી ગાંજાનું વેચાણ કર્યું હતું અને જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી ક્લાસ બી ડ્રગ થોડી માત્રામાં મળી આવી હતી.

લેસ્ટર મેજિસ્ટ્રેટને કોર્ટ સમક્ષ સુનાવણીમાં પ્રોસીક્યુટર સુખદેવસિંહે જણાવ્યું હતું કે ‘’લેસ્ટરશાયર પોલીસે તેના ફોન રેકોર્ડ્સ ચેક કરતા તેમને 10,000 ટેક્સ્ટ સંદેશા મળી આવ્યા હતા. જે તેનું વિરાટ ડીલીંગ બતાવે છે.‘’

ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે શુક્રવારે આ કેસને ઉચ્ચ અદાલતને વધુ સજા કરવાની સત્તા હોવાના કારણે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં મોકલવા મેજિસ્ટ્રેટને વિનંતી કરી હતી.

ચૌધરીના વકીલ ઝિયાદ લુનાટે કોર્ટને જણાવ્યું હતું કે “તે માત્ર 25 વર્ષનો છે અને તેને અગાઉ કોઇ સજા થઇ નથી. તેની પાસે એ લેવલ્સ કર્યા પછી યુનિવર્સિટીમાંથી બહાર નીકળ્યા બાદ ટેક-અવે અથવા રેસ્ટોરન્ટમાં કામ કરવા સિવાય બીજો કોઇ છૂટકો નહતો. તેણે પોતાનો કેનાબીસના વપરાશ સંપૂર્ણપણે ઘટાડી દીધો છે અને તેને લેસન મળી ગયું છે. તેણે લેસ્ટરની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્ટડીની ડિગ્રી માટે પ્રવેશ પણ મેળવી લીધો છે. તેના પરિવારને તેના કારનામાની ખબર નથી.’’

ચૌધરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને આ મહિનાના અંતમાં તેને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સજા થનાર છે.