નકલી નોટોનું દૂષણ ડામવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા વર્ષોમાં અનેકવિધ પગલા લીધા હોવા છતાં બનાવટી ચલણી નોટોની માત્રા વધી જ રહી છે. છેલ્લા બે જ વર્ષમાં બનાવટી નોટોની માત્રા 10 ગણી વધી ગઈ છે એટલુ જ નહી હવે રૂા.10,20 અને 50 જેવી નાની નોટો પણ બનાવટી નીકળતી હોવાનું બહાર આવી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા જ છેલ્લા બે વર્ષની નકલી નોટની સંખ્યાની માહિતી જાહેર કરી છે. 2016ની નોટબંધી પછી ભારતીય ચલણી નોટોનું સ્વરૂપ બદલાવી નાખવામાં આવ્યું હોવા છતાં નકલી નોટોના દૂષણને ડામી શકાયુ નથી. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર 10,20 અને 50 રૂપિયાની બનાવટી નોટો પણ પકડાઈ રહી છે અને છેલ્લા એક જ વર્ષમાં તેમાં અનુક્રમે 20.2 ટકા, 87.2 ટકા તથા 57.3 ટકાનો વધારો થયો છે. બે વર્ષમાં નાની ચલણી નોટોની સંખ્યા ચાર ગણી થઈ ગઈ હતી.
વર્ષ 2017માં બેંકોમાં 50 રૂપિયાની 9222 નકલી નોટ આવી હતી. 2019માં આ સંખ્યા 26875 થઈ હતી. 100 રૂપિયાની જાલી નોટમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે. અલબત, એક વર્ષમાં 2.20 લાખ નકલી નોટો પકડવામાં આવી જ છે અને તેનાથી સ્પષ્ટ થાય છે કે બજારમાં સૌથી વધુ 100 રૂપિયાની નકલી નોટ ફરી રહી છે. નોટબંધી પછી દાખલ કરવામાં આવેલી 200 રૂપિયાની નકલી નોટો પણ પકડાતી રહી છે. 2018માં 200 રૂપિયાવાળી 79 નોટ પકડાઈ હતી.જયારે આ વર્ષે 12728 નકલી નોટ પકડાઈ હતી. અર્થાત ગત વર્ષની સરખામણીએ 200 રૂપિયાવાળી નકલી નોટની સંખ્યામાં 160 ગણો ધરખમ વધારો થયો છે.
500 રૂપિયાવાળી ચલણી નોટની સંખ્યા 121 ટકા વધી છે. 2016-17માં માત્ર 199 નકલી નોટ મળી હતી. 2018-19માં આ સંખ્યા 22000 થઈ છે. ચલણમાં રહેલી સૌથી મોટી 2000 રૂપિયાની નોટમાં બનાવટનું પ્રમાણ ઓછુ નથી. છેલ્લા બે વર્ષમાં 2000 રૂપિવાવાળી બનાવટી નોટોની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે 2016માં નોટબંધી લાગુ કરી તેની પાછળનો એક આશય નકલી નોટો નાબુદ કરવાનો પણ હતો. આ સિવાય પણ અનેકવિધ ઉપાયો કરવામાં આવ્યા હતા. નોટોમાંના સુરક્ષા ફીચર્સ વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યા હતા છતાં નકલી નોટો પકડાવાનો સિલસિલો જારી જ રહ્યો છે.