સ્પેનિશ મલ્ટીનેશનલ કંપની અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રણી તેમજ ભારતીય સબસિડિયરી પણ ધરાવતી એબ્રો ફૂડ્સ એસ. એ. દ્વારા ગયા સપ્તાહે કરાયેલી જાહેરાત મુજબ તેણે બ્રિટનની અગ્રણી બાસમતી ચોખાની બ્રાંડ ટિલ્ડા તેમજ તેનો સમગ્ર બિઝનેસ હેઈન સેલેસ્ટીયલ પાસેથી 342 મિલિયન અમેરિકન ડોલર્સમાં ખરીદી લેવાની કાર્યવાહી પુરી કરી છે.

ટિલ્ડા આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્રતિષ્ઠિત રાઈસ બ્રાંડ છે અને તેમાં પણ એની વિશેષતા બાસમતી ચોખામાં છે. આ બ્રાંડ આજે વિશ્વના તમામ પાંચ ખંડોમાં અનેક દેશોમાં ઉપસ્થિતિ ધરાવે છે, તેમાં પણ બ્રિટનની માર્કેટમાં તો એ ખૂબજ નામાંકિત અને મહત્ત્વની બ્રાંડ છે.

યુકેમાં રેઈનહામમાં તેના બે પ્લાન્ટ અને 326 કર્મચારીઓની ટીમ ધરાવે છે. જુન 2019ના અંતે પુરા થયેલા ગયા વર્ષમાં કંપનીનું ચોખ્ખુ વેચાણ 152.6 મિલિયન બ્રિટિશ પાઉન્ડનું રહ્યું હતું. એમાંથી 60 ટકા કારોબાર તો એકલા યુકેના માર્કેટમાં હતો અને તેમાંથી પણ 92 ટકા વેચાણો તો એકલા બાસમતી ચોખાના જ હતા.

આ સોદા માટે, ટિલ્ડાનું મૂલ્યાંકન 342 અમેરિકન ડોલર્સનું કરાયું હતું (કંપનીનું પુરેપુરૂં મૂલ્ય, દેવા અને વર્કિંગ કેપિટલના કોઈ એડજસ્ટમેન્ટ પહેલા). આ એક્વિઝિશન સાથે, એબ્રોએ રાઈસ (ચોખા) ક્ષેત્રમાં પોતાના ગ્લોબલ પ્રિમિયમ બ્રાંડ્સના પોર્ટફોલિયોમાં તો વધારો કર્યો છે, સાથે સાથે બ્રિટનની માર્કેટમાં મજબૂત ઉપસ્થિતિ પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી એબ્રોની યુકે માર્કેટમાં ઉપસ્થિતિ નામ પુરતી જ હતી. એબ્રો એવું માને છે કે, ટિલ્ડાના બિઝનેસનો ઈન્ટરનેશનલ પ્રકાર હોવાના પગલે હવે ગ્રુપની અન્ય પ્રોડક્ટ્સનો પણ ઈન્ટરનેશનલ સ્તરે વ્યાપક વિકાસ શક્ય બનશે.