દેશમાં ભારેખમ દંડ સાથે લાગુ કરાયેલ નવા ટ્રાફીક મોટર વ્હીકલ એકટ સામે જબરો વિરોધ થયો છે અને ખાસ કરીને વિપક્ષ શાસનના પ.બંગાળ સહીતના રાજયોએ નવા સુધારાનો અમલ નહિં કરવાનો નિર્ણય લીધો છે. ઉતરાખંડે ગુજરાત સ્ટાઈલથી દંડની રક્મ ઘટાડવાની જાહેરાત કરી છે તો જયાં આગામી સમયમાં ધારાસભા ચૂંટણીઓ, યોજાવાની છે તે મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર હાલ નવા કાનૂનનો અમલ કરશે નહિં તેવા સંકેત છે. કર્ણાટકમાં ભાજપની જ સરકારે ગુજરાતની જેમ દંડ ઘટાડવા કર્ણાટકનાં મુખ્યમંત્રી સીએસ યેદુરપ્પાએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યુ છે કે ગુજરાતે જે રીતે દંડની રકમમાં ઘટાડો કર્યો છે તેનો અમો અભ્યાસ કરીશુ અને અમો પણ દરમાં ઘટાડો કરવા જઈ રહ્યા છીએ.

બિહાર ગોવા ઓડીસા કેરાળાએ પણ હજુ પૂર્ણ અમલની જાહેરાત કરી નથી નવા મોટર વ્હીકલ એકટમાં દંડ 10 ગણો વધી ગયો છે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતીન ગડકરીએ આ પ્રકારનાં વધારાના બચાવ કરતા કહ્યું કે લોકોનાં જીવન બચાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજયો બન્નેની છે. તેઓએ કહ્યું કે આજે જે દંડ રૂા.5000 કરાયો છે તે 30 વર્ષ પૂર્વે રૂા.500 હતો તે સમયે 500 ની કિંમત રૂા.5000 જેટલી હતી જોકે વિપક્ષના રાજયો પ.બંગાળ પંજાબ મધ્ય પ્રદેશે તો હાલ આ કાનુનનો અમલ નહિં કરવા જ નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી હોવાથી રાજયની ફડનવીસ સરકાર જોખમ લેવા માંગતી નથી આવી જ સ્થિત હરીયાણા અને ઝારખંડમાં છે.જોકે કેન્દ્ર હવે આ કાનુનમાં પીછેહઠ નહી કરે તેવુ જણાવતા એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે લોકો પોલ્યુશન સર્ટી લેવા લાઈન લગાવી રહ્યા છે. ડ્રાઈવીંગ લાયસન્સ માટે પણ ઘસારો છે વિમા કંપનીઓ પાસે પૂછપરછ ચાલી રહી છે. તે દર્શાવે છે કે લોકોમાં કાનુનનો ડર છે અને તેના પાલનની કામગીરી કરે છે તો પછી હવે અમો તેમાં પરત આવવા માગતા નથી.