ઈયુ, યુરોપના દેશો સહિતના 25 વિદેશી રાજદૂતો બુધવારે કાશ્મીરમાં દાલ લેક પાસે પહોંચ્યા હતા.

યુરોપિયન યુનિયનના અને કેટલાક યુરોપિયન દેશો સહિત ભારત સ્થિત 25 વિદેશી રાજદૂતો ભારત સરકાર દ્વારા આયોજિત કાશ્મીરના પ્રવાસમાં સામેલ થઈ બુધવારે (12 ફેબ્રુઆરી) શ્રીનગર પહોંચ્યા હતા અને ત્યાં દાલ લેકમાં બોટમાં સફર માણી હતી તેમજ સ્થાનિક વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકો, સ્થાનિક મીડિયા તથા રાજકીય નેતાઓને પણ મળ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારત સરકારે કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો રદ કરી તેનું બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રૂપાંતર કર્યા પછી સરકાર પ્રાયોજિત વિદેશી દૂતોની કાશ્મીરની આ બીજી મુલાકાત છે. પહેલી મુલાકાત ગયા જાન્યુઆરી મહિનામાં યોજાઈ હતી.

કાશ્મીરની આ મુલાકાતમાં સામેલ રાજદૂતોમાં જર્મની, ફ્રાન્સ, ઈટાલી, કેનેડા, પોલેન્ડ, ઓસ્ટ્રીઆ, ન્યૂઝીલેન્ડ, મેક્સિકો, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન તથા યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

સવારે આ દૂતોએ દાલ લેકમાં બોટ તથા શિકારાની સફર માણી હતી, એ પછી સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓને તેઓ મળ્યા હતા. બપોરે ભોજન વખતે તેમની સાથે સ્થાનિક રાજકીય નેતાઓ તેમજ વેપારીઓ-ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા. સાંજે તેમને ભારતીય લશ્કરના અધિકારીઓ પણ કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિ વિષે વાકેફ કરે તેવી ધારણા છે.

ગુરૂવારે તેઓ જમ્મુ જશે અને ત્યાં તેઓ ઉપરાજ્યપાલ ગીરીશ ચંદ્ર મુર્મુ તેમજ સ્થાનિક અધિકારીઓને મળશે. હજી ગયા સપ્તાહે જ ભારત સરકારે બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો – મહેબૂબા મુફ્તિ તથા ઓમર અબ્દુલ્લા સામે અત્યંત કડક ગણાતા પબ્લિક સેફટી એક્ટની કલમોનો ઉપયોગ કરી તેમની પ્રતિબંધક અટકાયત લંબાવી હતી.