દેશમાં ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા “ગરવી ગુજરાત” સાથેના એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં માઈગ્રન્ટ્સના પ્રદાનને બિરદાવતા કહ્યું હતું કે, આ લોકોએ “યુકેની ગતિશિલતા અને ઉત્પાદકતા”માં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
પ્રચારના અંતિમ તબક્કામાં, ઓપિનિયમ પોલ્સમાં ટોરીઝને સ્પષ્ટ બહુમતી મળે તેવા સંકેતોના સંજોગોમાં આ ન્યૂઝ મેગેઝિન સાથે વાત કરતાં બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે, “ઈમિગ્રેશન દેશ માટે લાભદાયક છે એવો પ્રચાર સતત છેલ્લા 10-15 વર્ષથી કરનારો કોઈપણ પાર્ટીનો એકમાત્ર નેતા હું છું. લંડનનો મેયર હતો ત્યારે મને યાદ છે કે, પક્ષમાં મારા સાથી નેતાઓ સાથે ઈમિગ્રેશન મુદ્દે હું લંબાણપૂર્વકની દલીલો કરતો હતો. હું માનું છું કે તે એક અદભૂત વસ્તુ છે.”
મારો પોતાના પરિવાર ઈમિગ્રન્ટ્સનો બનેલો છે તેણે યુકેની ગતિશિલતામાં તથા ઉત્પાદકતામાં પ્રદાન કર્યું જ છે, એ વિષે કોઈ પ્રશ્ન જ નથી. 2016માં બ્રિટનમાં યુરોપિયન યુનિયનથી બ્રિટને અલગ પડવું કે તેમાં જ જોડાયેલા રહેવું તે વિષે લેવાયેલા જનમતમાં પણ તે એક ચાવીરૂપ પરિબળ હતું. આગામી ચૂંટણીઓમાં પણ ઈમિગ્રેશન, બ્રેક્ઝિટ તથા એનએચએસ સૌથી વધુ મહત્ત્વના મુદ્દા છે.
હજી ગયા સપ્તાહે જ વડાપ્રધાને એવો વાયદો કર્યો હતો કે, પોતે ચૂંટણીમાં વિજેતા રહેશે તો ઈમિગ્રેશનના પ્રમાણમાં ઘટાડો લાવશે, પણ પોતે વિદેશી નાગરિકોને યુકેમાં આવી કામ કરવા દેવા તેમજ અહીં વસવાટ કરવાના આક્રમક વિરોધી નથી. કન્ઝર્વેટીવ પાર્ટીનો ઈરાદો છે કે, એકવાર પાર્ટી યુરોપિયન યુનિયનથી અલગ પડે પછી તે દેશમાં ઓસ્ટ્રેલિયા છે તેવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પદ્ધતિ તમામ ઈમિગ્રન્ટ્સ માટે લાવવા ધારે છે. કામદારોની તંગી હોય તેવા ક્ષેત્રોને બાદ કરતાં ટોરીઝ ઓછું કૌશલ્ય લો સ્કિલ્ડ માઈગ્રેશન મર્યાદિત કરવા ધારે છે.
માઈગ્રન્ટ્સે જ બ્રિટનની કેવી રીતે કાયાપલટ કરી છે તેની વાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, “લંડન, ઈંગ્લેન્ડ અને યુકેમાં આશ્ચર્યજનક રીતે વિવિધ વંશીય લોકોનું એક વિરાટ સંયોજન છે અને તેના કારણે જ સમગ્ર વિશ્વના લોકોમાં એના પ્રત્યે એક વિશેષ પ્રકારનું ખેંચાણ છે. બ્રિટન પાસે એ ચાર્મ છે, એ ચૂંબકિય તત્ત્વ છે કે જેના પગલે લોકો અહીં વેપાર-ઉદ્યોગ માટે મૂડીરોકાણ કરવા ઈચ્છે છે, અહીં કાયમી વસવાટ કરવા ઈચ્છે છે અને તેના કારણે જ આપણી સંસ્કૃતિમાં પણ એક પરિવર્તન આવ્યું છે.”
બોરિસ જ્હોન્સને પુનરોચ્ચાર કર્યો હતો કે, યુકે પોતાની ઈમિગ્રેશન પ્રણાલીનું સુકાન પોતાના હાથમાં લેશે ત્યારે નવી વ્યવસ્થામાં અમે ઈન્ડિયા તેમજ એશિયન ઉપખંડમાંથી આવતા લોકો પ્રત્યે પણ સમદ્રષ્ટિ રાખીશું.
જો કે, ત્રણ વર્ષ અગાઉ દેશે ઈયુથી અલગ પડવાનો નિર્ણય લીધો ત્યારથી હેટ ક્રાઈમમાં વધારો થયો છે અને માઈનોરિટિઝ વધુ હિંસાખોરીનો, અપરાધોનો ભોગ બનતા રહ્યા છે.
આ વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોઈપણ ગ્રુપ પ્રત્યે પૂર્વગ્રહો કે ભેદભાવ અમે બિલકુલ સાંખી લઈશું નહીં, મારા માટે હેટ ક્રાઈમ ઘટાડવાનું, નાબૂદ કરવાનું ખૂબજ મહત્ત્વનું છે. હું લંડનનો મેયર હતો ત્યારે અમે શહેરમાં તમામ પ્રકારના અપરાધોમાં ઘટાડો લાવ્યા હતા, હવે અમે દેશમાં પણ એવું જ કરીશું. અમે ક્રિમિનલ જસ્ટીસ સીસ્ટમમાં ઈન્વેસ્ટ કરીશું, અમારૂં ધ્યેય છે કે, તમામ પ્રકારના ગુનાઓ બદલ અપરાધીઓ સામે કાનૂની કાર્યવાહી ચૂસ્ત રીતે થાય.
હું માનું છું કે, બ્રેક્ઝિટના કારણે દેશ અનિશ્ચિતતાના ગાળામાંથી પસાર થઈ રહ્યો છે અને આપણા માટે એ જરૂરી છે કે, આપણે બ્રેક્ઝિટનો અમલ કરી આગળ વધીએ. જાન્યુઆરી સુધીમાં એનો અમલ કરી આગળ વધવાની તક અમારી પાસે છે અને પછી એક નવા યુગનો ઉદય થશે. શાંતિ, એખલાસ અને બધા જ સમુદાયો પોતાના પ્રત્યે પ્રેમ અને આદરની લાગણીની અનુભૂતિ કરે તે ખૂબજ મહત્ત્વનું છે.
બોરિસ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અત્યારસુધીની સૌથી વધુ વૈવિધ્ય ધરાવતા કેબિનેટની વરણી કરી હતી. જો કે, બ્રિટિશ સમાજના ઉચ્ચ વર્ગના હોદ્દાઓ ઉપર અશ્વેત લોકોની સંખ્યા ખૂબજ ઓછી છે, એવું શા માટે, તેવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે, હું તો ફક્ત એટલું કહી શકું કે, હું સીધી રીતે આ સ્થિતિને પ્રભાવિત કરી શકવાની સ્થિતિમાં આવ્યો ત્યારે મેં દેશમાં સૌથી વધુ શક્તિશાળી પદો ઉપર ભારતીય લોકોની નિમણુંકો કરી છે અને અમારી આ દિશાની પ્રતિબદ્ધતાનું આનાથી મોટું કોઈ પ્રતીક હોઈ શકે નહીં. ભારતીય સમુદાયની સિદ્ધિઓ વિષે બોરિસે કહ્યું હતું કે, તેઓએ બ્રિટિશ સમાજના દરેક ક્ષેત્રમાં જબરજસ્ત પ્રદાન કર્યું છે. તેમણે એ હકિકત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે, ભારતીયો વસતીની દ્રષ્ટિએ યુકેમાં બે ટકા હિસ્સો છે પણ દેશના જીડીપીમાં તેનું પ્રદાન છ ટકા છે. આ દેશની સફળતા માટે તેઓ ખૂબજ મહત્ત્વના છે, હું તો તેમના પ્રત્યેના આદરભાવમાં ડૂબી ગયો છું.
ટોરીઝ ચૂંટણીમાં બહુમતી મેળવે અને સંસદમાં બ્રેક્ઝિટ ડીલને બહાલી મળે તો પોતે ભારત સાથે વધુ ને વધુ ઘનિષ્ઠ સંબંધો કેળવવાનું પસંદ કરશે એમ તેઓએ ઉમેર્યું હતું.