ભારત સરકારના આર્થિક બાબતોની કેબિનેટ કમિટી(સીસીઇએ)એ ૨૦૨૧-૨૨ સુધીમાં ૨૪,૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે ૭૫ સરકારી મેડિકલ કોલેજો શરૂ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. ૭૫ મેડિકલ કોલેજો શરૂ થયા પછી દેશમાં એમબીબીએસ બેઠકોની સંખ્યામાં ૧૫,૭૦૦નો વધારો થશે.
આ મેડિકલ કોલેજો એવા જિલ્લામાં શરૂ કરવામાં આવશે જ્યાં એક પણ મેડિકલ કોલેજ નથી. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ મેડિકલ કોલેજમાં ૨૦૦ પથારી હશે અને તે જિલ્લા હોસ્પિટલ સાથે સંકળાયેલી હશે. ૩૦૦ પથારી ધરાવતી જિલ્લા હોસ્પિટલમાં મેડીકલ કોલેજ શરૂ કરવાને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
કેબિનેટ દ્વારા બીજા બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કેબિનેટે ફોરેન સિંગલ બ્રાન્ડ રિટેલર્સ માટેના એફડીઆઇ નિયમમાં રાહત આપી છે અને કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરિંગ અને કોલ માઇનિંગમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.
આ બેઠક પછી વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે કોલ માઇનિંગ અને એસોસિએટેડ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ઓટોમેટિક રૂટ દ્વારા ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા ત્રીજા મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ સરકારે ઓક્ટોબરથી શરૂ થતાં માર્કેટિંગ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૬૦ લાખ ટન ખાંડની નિકાસ માટે ૬૨૬૮ કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી.
ખાંડ મિલો શેરડીના ખેડૂતોની બાકી રકમ ચૂકવી શકે તે માટે અને ખાંડનો સર્પ્લસ જથ્થાના નિકાલ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૯-૨૦માં ૬૦ લાખ ટન ખાંડની નિકાસ માટે ૬૨૬૮ કરોડ રૂપિયાની નિકાસ સબસિડી મંજૂર કરવામાં આવી છે.
જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર, ૨૦૧૯થી સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમિયાન ખાંડની મિલોને ૧૦,૪૪૮ કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જેના કારણે સરકારી તિજોરી પર ૬૨૬૮ કરોડ રૂપિયાનો બોજ પડશે.