સુરત પાંડેસરામાં આવેલી મયુર સિલ્ક મિલમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનાની જાણ થતાં શહેરનાં 16 ફાયર સ્ટેશનની તમામ ગાડીઓ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે. આ આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ આગ કેમ લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. આ ભીષણ આગ લાગતા આખી મિલ ખાલી કરી દેવામાં આવી છે. આ મિલમાં કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. સુરત ડેપ્યુટી કમિશ્નર કોર્પોરેશન, એન. વી. ઉપાધ્યાયનાં જણાંવ્યાં પ્રમાણે આ આગનો કોલ અમને વહેલી સવારે પોણા છ કલાક મળ્યો હતો. ત્યારે તરત જ ત્રણ ફાયર ફાયટર મોકલી દેવામાં આવ્યાં હતાં. સંપૂર્ણ આગ ઓલવવામાં અડધો કલાક લાગી શકે છે. બાદ માં કુલીંગ કરવા માટે ત્રણથી ચાર કલાક થઇ શકે છે. આ મિલમાં મોટા પ્રમાણમાં કપડા છે જેને કારણે આગ વધારે પ્રમાણમાં ફેલાઇ રહી છે. માલિકનાં જણાવ્યાં પ્રમાણે અંદર કોઇ માણસ હતું નહીં.આસપાસની મિલનાં માલિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. તેઓ પણ વહેલી સવારથી અહીં આવી ગયા છે. તેમનાં જણાવ્યાં પ્રમાણે, આ આગ એટલી ભીષણ હતી કે અમને પહેલા તો એવું થયું કે આ મિલનું બિલ્ડીંગ જ ન પડી જાય. પરંતુ ધીરે ધીરે આગ બુઝાઇ રહી છે.