મીલીટરી પ્લાનર્સ એનએચએસ સાથે મળીને નવી હોસ્પિટલ બનાવવા માટે કાર્યરત (Photo by Justin SetterfieldGetty Images)

લંડન કોરોનાવાયરસની ‘સુનામી’ માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે મહામારીને પહોંચી વળવા લંડનના વિખ્યાત એક્સેલ સેન્ટર ખાતે 4,૦૦૦ બેડની નાઈટીંગેલ હોસ્પિટલ સ્થાપવામાં આવશે અને તે માટેનો  ફ્લોરપ્લાન તૈયાર કરી દેવાયો છે. સંરક્ષણ મંત્રાલય અને એનએચએસ દ્વારા એક્સેલ સેન્ટરને હંગામી હોસ્પિટલમાં ફેરવવાનું કામ આજે શરૂ થયું છે. નજીકના સિટી એરપોર્ટ પરથી લશ્કરી વિમાનો દ્વારા હોસ્પિટલ માટેનો સરંજામ લાવી શકાય તે માટે ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે.

મીલીટરી પ્લાનર્સ એનએચએસ સાથે મળીને દર્દીઓની વધતી સંખ્યાને સમાવવા માટે નવી હોસ્પિટલ બનાવવા માટે કાર્યરત થઇ ગયા છે. વેન્ટિલેટર અને ઓક્સિજનથી સજ્જ 4,000 બેડની આ એનએચએસ નાઇટિંગેલ હોસ્પિટલમાં જ મૃતદેહ રાખવા માટે બે મોર્ગ  પણ બનાવવામાં આવશે.  હોસ્પિટલની રચનાના કારણે નિયમિત હોસ્પિટલો પરનુ દબાણ ઘટશે.

ઇસ્ટ લંડનની એનએચએસ નાઈટીંગલ હોસ્પિટલમાં દરેક પલંગ પર વેન્ટિલેટર અને ઓક્સિજન હશે અને શનિવાર તા. 4 એપ્રિલ સુધીમાં તે ચાલુ કરી દેવા મહેનત કરાઇ રહી છે. જેમાં લશ્કરી તબીબો પણ દર્દીઓની સારવાર માટે કામ કરશે.

એક કાર્યકર્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડિઓમાં 100 એકરના વોટરસાઇડ સાઇટનુ મુખ્ય ક્ષેત્ર બતાવવામાં આવ્યુ હતુ. જે એક કિલોમીટર સુધી ફેલાયેલ હોસ્પિટલ વૉર્ડ બનશે.

આ માટે લંડન સિટી એરપોર્ટ પરથી તમામ ખાનગી અને વ્યાપારી ફ્લાઇટને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે સરકાર દ્વારા એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. ગઈકાલે આરએએફ તેનો ઉપયોગ કરતી જોવા મળી હતી. લંડન એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ અને લશ્કરી કર્મચારીઓ આજે એક્સેલ સેન્ટરમાં કાર્યરત જણાયા હતા.

દરમિયાન, બર્મિંગહામ નજીકના નેશનલ એક્ઝીબીશન સેન્ટરને પણ કામચલાઉ હોસ્પિટલ માટે તૈયાર રખાયુ છે.