ફેશનની દુનિયામાં જાણીતું નામ અને બ્રાન્ડ ધરાવતી તેમજ યુવાનોની પહેલી પસંદ ગણાતી ફેશન કંપની ફોરએવર ૨૧ દ્વારા નાદારી જાહેર કરવામાં આવી છે. કંપનીને નાદારીમાં લઈ જવાની પ્રોસેસ શરૂ કરાઈ છે અને વિશ્વભરમાં ૧૭૮ સ્ટોર્સ બંધ કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ફેશન માર્કેટમાં ગળાકાપ હરીફાઈ અને કંપનીના શો રૂમ્સનાં ભાડામાં જંગી વધારો થવાને કારણે કંપની નાણાકીય સંકટમાં સપડાઈ છે. અમેરિકાના ડેલાવેરનાં વિલ્મિંગ્ટન ખાતે તેણે નાદારીનાં પેપર્સ ફાઈલ કરાવ્યા છે. કંપની પર ૧ અબજ ડોલરથી ૧૦ અબજ ડોલરનું દેવું હોવાની ચર્ચા છે. કંપની હવે એશિયા અને યુરોપમાં ઈન્ટરનેશનલ ફેશન શોપમાંથી ફ્રેન્ચાઈઝી પાછી ખેંચવા પણ વિચારી રહી છે. જો કે મેક્સિકો અને લેટિન અમેરિકામાં ફોરએવર ૨૧ તેની ફ્રેન્ચાઈઝી ચાલુ રાખશે. કંપની નાદાર થતા અમેરિકાનાં અનેક મોલમાં તેની ચેઈનનાં માલિકો પર માઠી અસર પડશે. હવે કંપની જાપાનમાં સ્ટોર્સ બંધ કરશે. ઓક્ટોબર અંત સુધી જાપાનના ૧૪ સ્ટોર્સ બંધ થઈ જશે.
ફોરએવર ૨૧ દ્વારા ચેપ્ટર ૧૧ બેન્કરપ્સી પ્રોટેક્શન હેઠળ નાદારી નોંધાવાઈ છે. જો કે તે અમેરિકામાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્ટોર્સની વેલ્યૂ વધારવા કામ કરશે. કંપનીનાં કાર્યકારી ઉપાધ્યક્ષ લિંન્ડા ચાંગે કહ્યું હતું કે, ફોરએવર ૨૧નો ઈરાદો અમેરિકાનું માર્કેટ છોડવાનો નથી. કેટલાક ઈન્ટરનેશનલ સ્ટોર્સ ચાલુ રાખવાનો છે. ભારતમાં હાલમાં ફોરએવર ૨૧ના ૧૬ સ્ટોર્સ કાર્યરત છે. નાદારી પછી બધાના ભાવિ પર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.
એક સમયે આખા વિશ્વનાં ૫૭ દેશમાં તેનાં ૮૦૦ જેટલા સ્ટોર્સ હતા. તેની શરૂઆત ૧૯૮૪માં થઈ હતી. તેનાં દ્વારા યુવાન પેઢીને ટ્રેન્ડી અને ફેશનેબલ વસ્ત્રો સસ્તા દરે આપવામાં આવતા હતા. કંપની ભૂતકાળમાં ફેશનેબલ વસ્ત્રો માટે લોકપ્રિય બની હતી. ચેપ્ટર ૧૧ બેન્કરપ્સી પ્રોટેક્શનની જોગવાઈ અનુસાર અમેરિકી કંપનીઓને તેમના દેવાનું પુનઃગઠન કરવા તથા તેમના બિઝનેસના અમુક હિસ્સાનું વેચાણ કરવા માટે અમુક મુદત મળી શકે છે.
આ દરમિયાન ક્રેડિટર્સ પ્રત્યેની કંપનીની નાણાકીય જવાબદારીઓ હાલ પૂરતી મોકૂફ રહે છે. ચેપ્ટર ૧૧ બેન્કરપ્સી પ્રોટેક્શન ફાઈલિંગ કર્યા બાદ ફોરએવર-૨૧ ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટે કહ્યું કે અમે કંપનીનું ભાવી સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વનું અને જરૂરી પગલું ભર્યું છે આનાથી અમે કંપનીનો કારોબાર ફરીથી ઊભો કરી શકીશું. ફોરએવર-૨૧ નો મુખ્ય મુકાબલો ઝારા અને એચએન્ડએમ જેવી મુખ્ય બ્રાન્ડ સાથે છે. શરૂઆતથી કંપની સસ્તા કપડા પૂરા પાડી રહી છે. તે મુખ્યત્વે ટ્રેન્ડી કપડાનું વેચાણ કરે છે. તાજેતરના વર્ષોમાં માર્કેટમાં ઝારા અને એચએન્ડએમે વધારે પકડ જમાવતા ફોરએવર ૨૧ પાછળ ધકેલાઈ ગઈ હતી.