વર્તમાન ઘટનાઓ અંગે વ્યંગચિત્રો અને કટાક્ષો માટે જાણીતા ફ્રેન્ચ મેગેઝિન શાર્લી હેબ્દોથી ફરીથી ઈસ્લામ ધર્મના
પ્રવર્તક મોહમ્મદ પયગંબરનું કાર્ટુન પ્રકાશિત કરતાં વિવાદ સર્જાયો છે. અગાઉ 2015માં શાર્લી હેબ્દોએ પયગંબરનું
કાર્ટુન પ્રસિદ્ધ કર્યું હતું એ પછી તેની ઓફિસ પર જીવલેણ આતંકી હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામમાં અલ્લાહ કે પયગંબરના ચિત્રણની મનાઈ છે અને આ પ્રકારની ચેષ્ટાને નાપાક તેમજ ધર્મવિરોધી માનવામાં આવે છે.

હાલ પ્રકાશિત થયેલ મેગેઝિનના કવર પેજ પર મોહમ્મદ પયગંબરના 12 કાર્ટૂન છાપવામાં આવ્યા છે, જે શાર્લી હેબ્દોમાં
પ્રકાશિત થતાં પહેલાં ડેનમાર્કના એક ન્યૂઝ પેપરમાં છાપવામાં આવ્યા હતા. તેમાંથી એક કાર્ટૂનમાં મોહમ્મદ પયગંબરને
પાઘડીની જગ્યાએ બોમ્બ પહેરેલા બતાવવામાં આવ્યા હતા. ચિત્રની ઉપર ફ્રેન્ચ હેડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ
એક કાર્ટૂન માટે આટલું બધું?’

તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે, વર્ષ 2015માં થયેલા હુમલા પછી લોકો પયગંબરના તે કાર્ટૂનને ફરી પ્રકાશિત
કરવાની માગંણી કરતાં હતા. મેગેઝિનના તંત્રીએ લખ્યું છે કે, અમે હંમેશા તે કાર્ટૂન ફરી છાપવાની ના પાડી હતી. જોકે એ માટે પ્રતિબંધનો કોઈ મુદ્દો જ ન હતો. કાયદાએ તો અમને છૂટ આપેલી જ છે. પરંતુ કોઈ યોગ્ય કારણ હોય ત્યારે જ અમે એ પબ્લિશ કરવા માંગતા હતા જેથી અમારા પર અકારણ પબ્લિસિટીનો આરોપ ન લાગે. અગાઉ થયેલ હુમલાની હાલ ટ્રાયલ શરૂ થઈ રહી છે તો અમને કાર્ટુનના પુનઃ પ્રકાશન માટે આ યોગ્ય સમય લાગ્યો. આ પ્રકાશનથી અમે દુનિયાભરમાં એક સ્વસ્થ ચર્ચા શરૂ કરવા માંગીએ છીએ.

આ મેગેઝિન પયગંબરના કાર્ટુન અંગેના વિવાદમાં અગાઉ સપડાઇ ચૂક્યું છે. સને 2015માં પયગંબરનું ચિત્ર છાપ્યા પછી
શાર્લી હેબ્દોની ઓફિસ પર ત્રાસવાદી હુમલો થયો હતો. એ કેસમાં ઝડપાયેલા 14 આરોપીઓ પર કોર્ટમાં કાર્યવાહી શરૂથવાની હતી એના એક દિવસ પૂર્વે જ શાર્લી હેબ્દોએ ફરીથી આવી ચેષ્ટા કરી હતી. 2015ના હુમલામાં મેગેઝિનના
કાર્ટુનિસ્ટ સહિત 12 લોકોના મોત થયા હતા. એ પછી તરત જ પેરિસમાં પણ ત્રાસવાદી હુમલો થયો હતો જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ હુમલાના તાર પણ શાર્લી હેબ્દોના ચિત્રણ સાથે જોડાયેલા હતા. એ પછી લગભગ છ મહિના સુધી ફ્રાન્સમાં જેહાદી હુમલાઓની હારમાળા ચાલી હતી.