Chennai: Finance Minister Nirmala Sitharaman addresses a press conference, in Chennai, Sunday, Sept 1, 2019. (PTI Photo/R Senthil Kumar)(PTI9_1_2019_000063B)

ભારત આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી મોટી આર્થિક મંદીના સપાટામાં આવી ગયું છે. આ વાત સરકારના કોઇ ટીકાકારે નહીં પણ ખુદ સરકારના નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કહી છે. એ પછી ભૂતપૂર્વ વડાપ્રધાન અને ટોચના અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિહે પણ આ જ વાત કરી છે પણ અર્થતંત્રની આવી ખરાબ હાલત માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અણઘડ આર્થિક વહીવટને જવાબદાર ઠેરવ્યો છે. છેવટે ભાજપના જ સિનિયર નેતા અને અર્થશાસ્ત્રી ડો. સુબ્રમણ્યમ સ્વામીએ પણ આર્થિક મંદીની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને તાજેતરમાં આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તેનો જવાબ ઉડાવી દીધો હતો જે બતાવે છે કે મંદીની વાત તેઓ પણ સ્વીકારે છે. નાણાંપ્રધાને તાજેતરમાં જ અર્થતંત્રને બેઠું કરવા માટે એક પેકેજ જાહેર કર્યું પણ તે અસરકારક નીવડવા અંગે અર્થશાસ્ત્રીઓને શંકા છે. સરકાર હાલ આ મંદીનો પ્રભાવ ઘટાડવા પ્રયાસો કરી રહી છે. રીઝર્વ બેન્ક પાસેના અનામત ભંડોળમાંથી પણ અમુક રકમ સરકારે વાપરવા માટે લીધી છે. આ બધાં પગલાં મંદીની પ્રચંડ થપાટ રોકવામાં સમર્થ નીવડે તો ઠીક છે, નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે એવી ચેતવણી અર્થશાસ્ત્રીઓએ આપી છે. ઔદ્યોગિક ક્ષેત્રે રીયલ એસ્ટેટ (જમીન-મકાન) અને ઓટો (વાહન ઉદ્યોગ) રોજગારી આપતા બે મુખ્ય ક્ષેત્રો છે અને તેમાંથી ઓટો ઈન્ડસ્ટ્રી તો સતત 10 મહિનાથી નબળા વેચાણોના કારણે કારમી મંદીમાં સપડાઈ છે. રીયલ એસ્ટેટનું ચિત્ર પણ કઈં આશાસ્પદ તો નથી જ.
ડો. મનમોહનસિંહ અને ડો. સુબ્રમણિયન સ્વામી જેવા નિષ્ણાતોએ તો મંદીની વાત હજી હમણાં કરી પણ કેન્દ્ર સરકારની થીંકટેંક નીતિ આયોગે ભારતીય અર્થતંત્ર છેલ્લા 70 વર્ષના સૌથી ખરાબ તબકકામાંથી પસાર થઈ રહ્યું હોવાનો ધડાકો તો થોડાક દિવસ અગાઉ જ કરી નાખ્યો હતો. આયોગે આર્થિક મંદી દૂર કરવા માટે વધારાના નકકર પગલા લેવાની માંગ કરી હતી. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે એવી સ્પષ્ટ ચેતવણી આપતા એમ કહ્યું કે અર્થતંત્ર છેલ્લા સાત દાયકાના ખરાબ દોરમાં છે, રોકાણ વધારવા માટે સરકારે ખાનગી ક્ષેત્રના મનમાંથી ભય દુર કરવો પડશે અને તો જ નવુ રોકાણ શકય બનશે.
તેઓએ કહ્યું કે નાણાકીય સંકટની અસર આર્થિક વિકાસ પર પણ દેખાવા લાગી છે ત્યારે ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધે તે માટે પ્રોત્સાહક પગલાની જરૂર છે. રોકાણ વધવાના સંજોગોમાં અર્થવ્યવસ્થામાં સળવળાટ આવી શકશે.
તેઓએ એવી લાલબતી ધરી હતી કે ખાનગી ક્ષેત્રમાં અત્યારે કોઈપણ કોઈના પર ભરોસો મુક્તા નથી. કોઈ ધિરાણ આપવા તૈયાર નથી. વિશ્ર્વાસની કટોકટી છે. દરેક ક્ષેત્રમાં લોકો રોકાણ કરવાને બદલે રોકડ નાણાનો સંગ્રહ કરવા લાગ્યા છે. આ નાણાને બજારમાં લાવવા માટે ખાસ પગલા લેવાની જરૂર છે.
તેમના કહેવા પ્રમાણે વર્તમાન નાણાંકીય સંકટની શરુઆત 2009થી 2014ના વર્ષોમાં અપાયેલા આડેધડ ધિરાણથી થઈ હતી. આ ધિરાણમાંથી મોટો હિસ્સો એનપીએ થઈ ગયો. પરિણામે બેંકોની વધુ લોન આપવાની ક્ષમતા ઘટી ગઈ હતી. બેંકોનું ધિરાણ ધીમુ પડતા 25 ટકા વ્યાજે નાણા આપતી ખાનગી નોન બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓ મેદાનમાં આવી હતી. પરંતુ ધિરાણ ડીફોલ્ટથી તેની હાલત પણ ખરાબ થઈ છે અને તેની અસર સમગ્ર નાણાકીય ક્ષેત્ર પર દેખાય રહી છે. 2004થી 2011ના સમયગાળામાં ધિરાણ વૃદ્ધિદર 27 ટકાના અસાધારણ દરે હતો અને ત્યાંથી જ નાણાં સંકટની શરૂઆત થઈ હતી.
રાજીવકુમારે કહ્યું કે છેલ્લા 70 વર્ષમાં પ્રવાહિતતાની આટલી ગંભીર કટોકટી કયારેય જોવા મળી નથી એટલે સરકારે ખાસ-અસાધારણ પગલા લેવાની જરૂર છે. સરકાર અને ખાનગીક્ષેત્ર વચ્ચે અવિશ્રશ્ર્વાસ સર્જાયો જ છે એટલું જ નહીં ખાનગી ક્ષેત્રમાં પણ વિશ્ર્વાસની કટોકટી છે. મોદી સરકારે છેલ્લા ચાર વર્ષ દરમ્યાન નોટબંધી, જીએસટી જેવા પગલા લીધા હતા તેનાથી પણ સીસ્ટમમાંથી રોકડ નાણાં ઓછા થઈ ગયા હતા. અગાઉ 10થી 35 ટકા રોકડ રહેતી અને તેનાથી લોકોના હાથ છુટ્ટા રહેતા હતા પરંતુ હવે તે સાવ ઘટી ગઈ છે.
તેઓએ એમ પણ કહ્યું કે ખાનગી ક્ષેત્રને રીફંડ સહીતના સરકારી પેમેન્ટમાં વિલંબ જેવા કારણો પણ હાલત વધુ ખરાબ કરી રહ્યા છે. સરકારે આવા નાણાં પણ તાત્કાલીક છુટ્ટા કરવા જોઈએ.