Getty Images)

ગુજરાતમાં 2002માં સર્જાયેલા ગોધરા કાંડ અને તેને સંલગ્ન કોમી રમખાણો અંગે સુપ્રીમ કોર્ટે નિમેલા નાણાવટી-મહેતા પંચનો અહેવાલ આજરોજ વિધાનસભામાં રજૂ કરાયો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ રિપોર્ટની કેટલીક મહત્વની બાબતો પર સ્પષ્ટતા કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

ગૃહમંત્રીએ નાણાવટી-મહેતા પંચના અહેવાલ અંગે જણાવ્યું કે, લગભગ અઢી હજાર પાનાનો નવ વોલ્યૂમમાં આ રિપોર્ટ છે. રાજ્યમાં ગોધરામાં સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગચંપી અને ત્યારબાદના નવ મોટા કેસોની તપાસને આવરી લેતો પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ થયો છે. જો કે નરોડા પાટિયા કેસ જે તે વખતે કોર્ટમાં ચાલી રહ્યો હોય તે સબજ્યુડિસ હોવાથી તે અંગે કોઈ જ વિગતો પંચના અહેવાલમાં રજૂ કરવામાં નથી આવી.

નાણાવટી-મહેતા પંચના રિપોર્ટમાં ગોધરા કાંડ અને તેને સંલગ્ન રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓ અને પોલીસ અધિકારીઓની કોઈ જ ભૂમિકા નહીં હોવાનું જણાવતા તમામને ક્લિનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત રિપોર્ટમાં આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ, રાહુલ શર્મા અને આર બી શ્રીકુમારની ભૂમિકા નકારાત્મક રહી હોવાનું જણાવાયું છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે, તત્કાલિન ગૃહ મંત્રી સ્વ. હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટને પણ પંચના અહેવાલમાં ક્લિનચીટ આપવામાં આવી છે. પંચના અહેવાલ મુજબ ગોધરા કાંડના પગલે થયેલા રમખાણો પૂર્વઆયોજિત કે રાજકીય રીતે પ્રેરિત નહાત. કોંગ્રેસે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબિને ખરડવા પ્રયાસ કર્યો હતો અને તેમની ગોધરામાં સાબરતી ટ્રેનના કોચ નં. એસ-6ની મુલાકાતને પુરાવાના નાશ કરવા સમાન ગણાવી હતી. પંચના મતે નરેન્દ્ર મોદીએ પુરાવાના નાશ કરવા હેતુ આ મુલાકાત કરી નહતી પરંતુ તેઓ ઘટના કઈ રીતે ઘટી તેની તપાસ કરવા પહોંચ્યા હતા.

આ ઉપરાંત ગોધરાકાંડ બાદ રમખાણો વખતે મુખ્યમંત્રી મોદીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તોફાની ટોળા સામે પોલીસને કોઈ જ પગલાં ના લેવાની સુચના અપાઈ નહતી અને આઈપીએસ સંજીવ ભટ્ટ મિટિંગમાં હાજર નહતા. પ્રદીપસિંહે તિસ્તા સેતલવાડ અને એનજીઓ સામે પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આવા લોકો દેશ અને વિશ્વમાં ગુજરાતની છબિને ખરડવા અને ખોટું ચિત્ર દર્શાવી રાજ્યને બદનામ કરવાના પ્રયાસો કરે છે.