ભારત સરકારે 312 વિદેશી શીખ નાગરિકોને બ્લેકલિસ્ટમાંથી હટાવી તેમને પરિવાર સાથે ભારતની મુલાકાત માટે વીસા આપવાનો માર્ગ મોકળો કર્યો છે. સરકારના આ પગલાથી તેઓ હવે ફરીથી પોતાના વતન સાથે જોડાઇ શકશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ આ લોકોના નામ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે બે લોકોના નામ હજુ પણ આ લિસ્ટમાં યથાવત છે.

વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા સમીક્ષા થયા પછી આ નામ બ્લેકલિસ્ટમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. વિદેશોમાં વિવિધ ઇન્ડિયન મિશન્સ દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ વિદેશી શીખ નાગરિકોનું આ બ્લેકલિસ્ટ તૈયાર કરાયું હતું. હવે આ બ્લેકલિસ્ટમાંથી નામ દૂર કરવામાં આવતા વિદેશમાં વસતા શીખો ભારતની મુલાકાત લઇ શકે તે માટે તેમને વીસા આપવામાં આવશે.

ભારત સરકાર દ્વારા આવી સમીક્ષાની કવાયત નિયમિત રીતે થાય છે. 1980ના દાયકા ભારતીય શીખ નાગરિકો અને વિદેશવાસી શીખ સમુદાયના નાગરિકો ભારત વિરોધી પ્રચાર કરતા હતા. એ દરમિયાન કેટલાક શીખો ધરપકડ ટાળવા ભારત છોડી ગયા હતા અને વિદેશી નાગરિકત્વ મેળવી લીધું હતું. આ તમામને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગના આવા શીખોના પરિવારના આશ્રિતો અને તેમના પરિવારજનોનો કોન્સ્યુલર અને વીસા સર્વિસીઝની મંજૂરીનો મોટો મુદ્દો ઉભો થયો હતો અને વિદેશોમાં જુદાજુદા ભારતીય હાઇકમિશન દ્વારા આવા ભારત વિરોધી લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રાલયે આ કવાયત બંધ કરીને વિદેશમાં તમામ ભારતીય મિશન્સ અને પોસ્ટને સૂચન કર્યું છે કે, આવા તમામ કેટેગરીના આશ્રિતો અને તેમના પરિવારજનો કે જેમનું નામ સેન્ટ્રલ એડવર્સ લિસ્ટમાં નથી તેમના યોગ્ય વીસા મંજૂર કરવા. બીજી તરફ, તમામ કેટેગરીના આશ્રિતો ભારતના લાંબા સમયના વીસા મેળવી શકશે અને આ ઉપરાંત તેઓ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ મેળવવા માટે પણ નોંધણી કરાવી શકશે, જેના માટે સામાન્ય રીતે બે વર્ષના વીસા હોય છે.