ગુજરાત આર્થિક અને ઔદ્યોગીક વિકાસ માટે સતત કાર્યશીલ રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી પાંચ દિવસની ઉઝબેકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી સાથે રાજયના ઉદ્યોગપતિઓને ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિત્વમંડળ પણ ઉઝબેકિસ્તાન પહોંચ્યું તથા અહી પ્રથમ વખત ઈન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ માં મુખ્યમંત્રી ભાગ લઈ રહ્યા છે. શ્રી રૂપાણીને આવકારવા અનેક સ્થળોએ હોર્ડીંગ લાગ્યા હતા. વિમાની મથકે મુખ્યમંત્રીનું ઉઝબેકિસ્તાન ખાતેના ભારતીય રાજદૂત સંતોષ ઝાએ સ્વાગત કર્યુ હતું. બાદમાં મુખ્યમંત્રી સીધા ઉઝબેકિસ્તાન રીપબ્લીકનના નાયબ વડાપ્રધાન એલ્યોર ગેનીયેવ સાથે એક ઉચ્ચ મંત્રણામાં જોડાયા હતા.

ઉઝબેકિસ્તાનના નાયબ વડાપ્રધાને મુખ્યમંત્રીને યાદગીરી રૂપે સ્મૃતિચિહન આપ્યુ હતું અને મુખ્યમંત્રીએ પણ ઉઝબેકિસ્તાન અને ભારત ખાતેના સંબંધોના સ્મૃતિ રૂપે એક સ્મૃતિચિહન આપ્યુ હતું. બાદમાં બન્ને પક્ષોનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી સાથે વાટાઘાટમાં જોડાયુ છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ઉઝબેકિસ્તાન સાથેના વ્યાપારીક સહયોગ અંગે પણ કરારો પર સહી થશે.

મુખ્યમંત્રી પાંચ દિવસના પ્રવાસ દરમ્યાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ તથા એન્ડિજાનના ગવર્નર તથા સમરક્ધદ અને બુખારાના ગવર્નર તેમજ તાસ્કંદ શહેરના મેયર સાથે વન ટુ વન બેઠકો યોજશે. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથે ગયેલું ડાયમન્ડ જેમ્સ એન્ડ જવેલરી, હોસ્પીટાલીટી, ફાર્મા, એગ્રો, ફુડ પ્રોસેસીંગ, ડેરી, ટેકસટાઈલ વગેરે ક્ષેત્રના અગ્રણીઓ અને રાજયના પ્રગતિશીલ ખેડુતો સોવિયેતસંઘના પુર્વ રાજયો અને ગુજરાત વચ્ચે સહકારની તક સાધશે. મુખ્યમંત્રી અહી ફાર્મા ઝોનની પણ મુલાકાત લેનાર છે અને ગુજરાતની કેડીલા ફાર્મા અહી જે પ્લાન્ટ સ્થાપી રહી છે તેનું ઉદઘાટન કરશે તથા અહી રૂા.2 કરોડના ખર્ચે શારદા યુનિ.નું પણ ઉદઘાટન કરશે.

ઉઝબેકિસ્તાનમાં પ્રથમ વખત ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર ફોરમ ઓપન એન્ડિજાનનો પ્રારંભ થઈ ગયો છે અને તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય અનેક રાષ્ટ્રવડાઓ પણ હાજર છે અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ તેમાં ભાગ લઈ રહ્યું છે. જેમાં એન્ડિજાનમાં રોકાણની તકો ચકાસાશે તથા અહીના ઉદ્યોગોને અન્ય રાષ્ટ્રોને રોકાણ અંગે માર્ગદર્શન પણ અપાશે. પાંચ દિવસના પ્રવાસમાં તાસ્કંદ શહેરની પણ મુલાકાત લેશે: ઉચ્ચસ્તરીય ઉદ્યોગ તથા વ્યાપાર જગતનું પ્રતિનિધિમંડળ પુર્વ રશિયન રાષ્ટ્રો તથા ગુજરાત વચ્ચે ઔદ્યોગીક સહકારની તક શોધશે: શારદા યુનિ.નું પણ ઉદઘાટન