દેશમાં આર્થિક મંદીને ટાળવા માટે એક તરફ ઓટો સહીતના ઉદ્યોગોને રાહત આપવા તૈયારી થઈ છે પરંતુ તેમાં રાજકારણ આવી ગયુ છે. ઓટો ઉદ્યોગ માટેના જીએસટી જે હાલ 28 ટકા છે તે ઘટાડીને 18 ટકા કરવા માટે લાંબા સમયથી માંગણી થઈ રહી છે અને હવે જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.

પરંતુ તેમાં અનેક રાજયોએ વિરોધ કર્યો છે. જો કે કાર સહીતના ઉત્પાદનમાં અગ્રણી તેવા ગુજરાત અને તામીલનાડુએ જીએસટી ઘટાડવાની તરફેણ કરી છે. પરંતુ કેરાળા, ઉતરપ્રદેશ, બિહાર અને અન્ય મોટા રાજયોએ જીએસટીના દર ઘટાડાય તો તેમની આવક પર મોટો ફટકો પડવાનો ભય વ્યક્ત કર્યો છે.

બીજી તરફ ઓગષ્ટ માસમાં જીએસટી કલેકશનમાં રૂા.20 હજાર કરોડનું ગાબડુ પડયું છે અને રાજયોની આવક પણ ઘટી છે. જેના કારણે રાજયો પોતે નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ ઓટો ઈન્ડસ્ટ્રીઝની દલીલ છે કે તહેવારોના કારણે કાર સહીતની માંગ વધશે અને તેમાં જીએસટી ઘટાડાથી વધુ લોકો કાર ખરીદશે તો જીએસટીમાં એકંદર યથાવત સ્થિતિ રહેશે.

જીએસટીમાં ઘટાડાથી ગ્રાહકને ફાયદો થઈ રહ્યો છે પરંતુ રાજયોને નુકશાન થશે નહી. લાંબા સમયથી ઓટો ઉદ્યોગ આ માંગ કરી રહ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે જીએસટીના અમલ બાદ રાજયોને જો આવકમાં ઘટાડો થાય તો તે ત્રણ વર્ષ સુધી ભરપાઈ કરવા માટે ખાતરી આપી છે અને તેથી કેન્દ્રની જવાબદારી પણ વધતી જાય છે.