ઈન્સ્ટિટ્યુટ સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના આંકડા મુજબ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ એક સપ્તાહમાં ભૂંકપના કુલ 36 આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 12 અને ભચાઉમાં 12 ભૂંકપના આંચકા અનુભવાયા છે. જામનગરમાં બે દિવસમાં ભૂંકપના 6 આચકા અનુભવાયા છે. 4 નવેમ્બરની રાત્રે 7.51 મિનિટે જામનગરમાં જે ભૂંકપ આવ્યો હતો તેની તીવ્રતા 3.7ની હતી.જામનગરમાં સોમવારે રાત્રીના 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા બહુમાળી ઇમારતની બારી, દરવાજા અને તેના કાચ રીતસર ધ્રુજી ઉઠયા હતાં.

આટલું જ નહીં ટેબલ, ખુરશી સહિતની વસ્તુઓ પણ ધ્રુજી હોવાનો અનુભવ લોકોએ કરતાં ભયના માર્યા લોકો ઉપરથી નીચે દોડી ગયા હતાં.ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. ભૂકંપનું કેન્દ્ર બિંદુ શહેરથી 27 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં અને આંચકાની ઉંડાઇ 6 કીમી નોંધાઇ હતી. સરાપાદર ગામે ભૂકંપના આંચકાથી છત અને દીવાલ ધરાશાયી થયા છે. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભૂકંપના આંચકાથી શહેરીજનોમાં ભય સાથે ઉચાટની લાગણી ફેલાઇ છે.

છેલ્લાં પખવાડિયાથી વધુ સમયથી કાલાવડ તાલુકામાં ભૂકંપના આંચકાનો સિલસિલો શરૂ થયો છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. આ સ્થિતિમાં સોમવારે રાત્રીના 7 કલાક અને 51 મિનીટે જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ભય સાથે અફરાતફરી મચી ગઇ હતી.

ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં આંચકાનો અનુભવ સવિશેષ થતાં લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. કલેકટર કચેરીના કન્ટ્રોલરૂમમાં નોંધાયેલી વિગત અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.7 ની હતી. જયારે આંચકાનું કેન્દ્ર બિંદુ જામનગરથી 22 કિમી દૂર 22.283 અક્ષાંસ અને 70.242 રેખાંશમાં દક્ષિણ-પૂર્વમાં નોંધાયું હતું. જયારે ઊંડાઇ 6 કિમી નોંધાઇ હતી.