આર્થિક મંદીની સાથોસાથ બેરોજગારીની સમસ્યા ઘણી મોટી છે અને શિક્ષિત યુવા વર્ગમાં તેનો મોટો ઉહાપોહ છે ત્યારે ગુજરાતની મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા બેકારી સામે બાથ ભીડવા માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે સ્નાતક થનારા યુવાવર્ગને ખાનગી ક્ષેત્રમાં નોકરી અપાવવા માટે 30 જીલ્લાઓમાં રોજગાર મેળા યોજવા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.

બેરોજગારીના મુદા પર ગુજરાત સરકાર ઘણા વખતથી ભીંસમાં છે. બેકારી સામે વિરોધ નોંદાવવા માટે બેરોજગાર યુવાનોએ ગત વર્ષે સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં ‘બેરોજગાર’ શબ્દનો ભરપુર ઉપયોગ કર્યો હતો. રાજયમાં બેકારીને કારણે 2018માં 294 લોકોએ જીંદગી ટુંકાવી હોવાનુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પણ સૂચવે છે. સરકારી ભરતી માટેની પ્રક્રિયામાં પેપરલીક જેવા અનેક દુષણોથી રાજય સરકારની હાલત વધુ ખરાબ થઈ હતી અને સરકારની વિશ્ર્વસનીયતા સામે સવાલ ઉઠવા લાગ્યા હતા ત્યારે હવે ખાનગી ક્ષેત્રમાં મોટાપાયે ભરતી કરાવવાનું બીડુ ઝડપવામાં આવ્યું છે.

રાજયના શિક્ષણ વિભાગના સૂત્રોએ એમ જણાવ્યું છે કે 3જી ફેબ્રુઆરીથી બીજા તબકકાના રોજગાર મેળા શરૂ કરવામાં આવશે. 3883 ઔદ્યોગીક એકમોમાં 57778 જગ્યાઓ ભરવાની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં વધુ 6799 જગ્યા ઉમેરાઈ છે. 10600 જગ્યાઓ વાણિજય સ્નાતકો માટે હશે. 8500 જગ્યાઓ બીએ સ્નાતકો તથા 8300 નોકરી ઈજનેરી છાત્રોને મળશે. ઓટોમોબાઈલ્સ, કેમીકલ્સ, આઈટી વગેરેને મળશે. 1700 જગ્યાઓ પર કોઈપણ ક્ષેત્રના સ્નાતકો ભાગ લઈ શકશે. 1900 નોકરી ઉત્પાદન ક્ષેત્રમાં હશે.

રાજયની 600 સરકારી-ખાનગી કોલેજોમાં 87280 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માટે સારી તક સર્જાશે. ગત વર્ષના રોજગાર મેળાઓમાં 47000 ને નોકરી આપવામાં આવી હતી. ગત વર્ષે 55000 વિદ્યાર્થી રોજગાર મેળામાં નોંધાયા હતા. આ વર્ષે 87280 નોંધણી થઈ છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્રસચીવ અંજુ શર્માએ કહ્યું કે નોકરી ઈચ્છતા શિક્ષિત યુવાવર્ગ તથા ઉદ્યોગોની અપેક્ષાઓના આધારે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમ વખત ‘સ્ટાર્ટઅપ’ ને પણ સમગ્ર પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે. ભાગીદારી ઈચ્છનારને પણ તક મળશે. રોજગાર મેળા રાજયના 30 જીલ્લામાં યોજાશે તે માટે છ ઝોન પાડવામાં આવ્યા છે. 1.50 લાખથી 4 લાખ સુધીના પેકેજ હશે. સેલ્સમેન, બેંક એકઝીકયુટીવ, ઈવેન્ટ મેનેજમેન્ટ વગેરે નોકરી ઓફર થશે.