અમેરિકામાં એચ-1બી વિઝાની એપ્લિકેશનનો રેશિયો ગત વર્ષ કરતાં વધ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 10,000 વધુ એપ્લિકેશન આવી છે અને આંકડો 2.01 લાખએ પહોંચી ગયો છે. આ એપ્લિકેશન સ્વીકારવાની અંતિમ તારીખ 1 એપ્રિલ હતી. એચ-1બી વિઝા અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને કામ કરવાની મંજૂરી આપે છે. જેનો ભારતીય આઇટી સેક્ટર્સ સૌથી વધુ લાભ ઉઠાવે છે. અમેરિકામાં અંદાજિત 4.20 લાખ લોકોની પાસે એચ-1બી વિઝા છે. જેમાંથી 75 ટકા એટલે કે, 3.10 લાખ ભારતીય છે.
એચ-1બી વિઝા ધારક ભારતીય મહિલાઓ 63220 છે. અમેરિકામાં ભારત બાદ ચીનના સૌથી વધુ 48 હજાર એચ-1બી વિઝાધારકો છે. ત્યારબાદ ચીન અને સાઉથ કોરિયા (અંદાજિત 1 ટકા) આવે છે.છેલ્લાં બે વર્ષમાં આ વિઝાની એપ્લિકેશનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો, જે હવે આ વર્ષે અચાનક જ વધી ગયો છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કડક પોલીસી છતાં આ વર્ક વિઝાના ઇન્ટરેસ્ટમાં કોઇ ઘટાડો નથી થયો. USCIS (યુએસ સિટિઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)એ શુક્રવારે કહ્યું કે, હાલના નાણાકીય વર્ષ માટે એચ-1બી વિઝા માટે 2 લાખથી વધુ એપ્લિકેશન મળી છે, જે 5% વધુ છે. સાથે જ અમેરિકાની યુનિવર્સિટીઝથી માસ્ટર્સ અથવા તેની ઉપરની ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટ્સ દ્વારા પણ પર્યાપ્ત સંખ્યામાં આવેદન મળ્યા છે. આવેદન પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ થઇ ગઇ છે.