યુકે સરકાર દ્વારા વિદેશી પ્રવાસોને લીલીઝંડી અપાતા ટુરીઝમને વેગ મળ્યો છે અને ટ્રાવેલ ઓપરેટરોએ આંતરરાષ્ટ્રીય હોલીડે બુકિંગ અને પૂછપરછમાં મોટો ઉછાળા આવ્યો હોવાની જાણ કરી છે. આટલું જ નહિં તેમણે ‘એર બ્રિજ’ યોજનાઓને આવકારી છે.

યુકેના લોકોએ મેડિટેરેનિયન હોલીડે માટે દોટ મૂકતા ટ્રાવેલ ઓપરેટરોએ બુકિંગમાં અને હોલીડે અંગેની પૂછપરછમાં મોટો વધારો નોંધાવ્યો હતો. ટ્રાવેલસૂપરમાર્કેટ વેબસાઇટના જણાવ્યા મુજબ માર્ચમાં લૉકડાઉન લાગુ કરાયા બાદ સૌ પ્રથમ વખત આ સપ્તાહમાં હોલીડે સર્ચમાં 100%નો અને “ક્લિક આઉટ” અને બુકિંગમાં 50%નો વધારો થયો છે. બ્રિટનના સૌથી મોટા ટૂર ઓપરેટર ટૂઇ અને હેઝ ટ્રાવેલે જણાવ્યું હતું કે ‘’બુકિંગમાં ઓછામાં ઓછો 50%નો વધારે થયો છે.’’

સરકારે કહ્યું હતું કે જે દેશો 14 દિવસના ક્વોરેન્ટાઇનની જરૂરિયાતને રદ કરશે તેની સાથે કહેવાતા “એર બ્રિજ”ના ગોઠવણની જાહેરાત કરાશે. આ પછી સ્પેન, ગ્રીસ, ફ્રાન્સ અને ઇટાલી લોકો માટે પસંદના સ્થળો બન્યા છે.

સરકારના જોઇન્ટ બાયોસેક્યુરિટી સેન્ટર અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા સલામત દેશોની સૂચિ જાહેર કરીને કોવિડ-19ના જોખમને આધારે જે તે દેશોને ગ્રીન, એમ્બર અને રેડ રેન્ક આપશે. ગ્રીન અને એમ્બર ઝોનના દેશોમાં સહેલાઇથી મુસાફરી કરી શકશે. આ માટેની સૂચિની વધુ વિગતો સોમવારે સંસદને આપવામાં આવશે અને તેની સંપૂર્ણ વિગતો બુધવારે તા. 1 ના રોજ જાહેર કરવામાં આવશે.

હેઝ ટ્રાવેલ્સે જણાવ્યું હતું કે લોકો 2020ના અંતમાં યુરોપ બહારની રજાઓના બુકિંગ તરફ પણ ધ્યાન આપી રહ્યા છે. જેમાં ન્યૂયોર્ક, આઇસલેન્ડ અને બાલી ટોચ પર છે. હેઝ ટ્રાવેલ્સે વધતી પુછપરછ જોઇને મોટાભાગના 3,000 કર્મચારીઓને ફર્લો પરથી પાછા બોલાવ્યા છે અને આ અઠવાડિયામાં નવા સ્ટાફ માટે જાહેરાત શરૂ કરવાની અપેક્ષા રાખે છે. તો ઓટમમાં 700 એપ્રેન્ટિસશીપ લેનાર છે.