હિન્દી ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવનારી હુમા કુરૈશીને બહુ ઓછા રોલ્સ એવા મળ્યા છે. જેમાં તે કંઈક કૌતક બતાવી શકી હોય, આથી તેણે દીપા મહેતાના ડાયસ્ટોપિયન ડ્રામા ‘લૈલા’માં કામ કરી ઓટીટી પ્લેટફોર્મ ઝુકાવ્યું અને એ પછી થોડા દિવસો માટે અમેરિકાના લોસ એન્જેલસમાં ગઈ જ્યાં તેના નસીબ આડેનું પાંદડું હટી ગયું અને અમેરિકન ફિલ્મસર્જક ઝેક સ્નાયકરની ઝોમ્બી ફિલ્મ મળી અને સાથે તેણે બોલીવૂડમાંથી સીધી હોલીવૂડમાં છલાંગ મારી.
હવે હુમા કુરૈશી સપ્ટેમ્બર સુધી લોસ એન્જલસમાં જ રહેશે અને તેની હોલીવૂડની પ્રથમ ફિલ્મનું શુટિંગ પૂરું કરશે. ‘આવા પ્રોજેક્ટમાં બહુ ઓછા લોકોને કામ કરવાની તક મળતી હોય છે. ઝેક સ્નાયકરની ફિલ્મમાં કામ કરવાની મને તક મળી એવી મારે શા માટે ઉત્સાહ અને ઉત્તેજના નહીં અનુભવવી જોઈએ? હું અત્યારે તો મારા સ્વપ્નમાં જીવી રહી છું.’ એમ હુમા કુરૈશી કહે છે.