ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે મેચની સીરીઝ કોરોના વાઈરસના રોગચાળાના જોખમને ધ્યાનમાં રાખીને પાછી ઠેલાઈ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે શુક્રવારે એક અખબારી યાદીમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, બીસીસીઆઈ તથા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સંયુક્ત રીતે એવો નિર્ણય લીધો છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે મેચની સીરીઝ હાલ પુરતી પાછી ઠેલાઈ છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ હવે પછી અનુકુળ સમયે ફરી ભારતના પ્રવાસે આવશે અને ત્રણ વન-ડેની સીરીઝ રમશે. હાલમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાવાનું જોખમ તોળાઈ રહ્યું હોવાથી આ સીરીઝ મૂલતવી રાખવાનો બન્ને બોર્ડે સંયુક્ત રીતે નિર્ણય લીધો છે. સીરીઝની પહેલી મેચ ગુરૂવારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાવાની હતી પણ, વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી.

બીજી મેચ ઉત્તર પ્રદેશના લખનૌમાં રવિવારે રમાવાની હતી, પણ રાજ્ય સરકારે બીસીસીઆઈને એવી સલાહ આપી હતી કે, તે મેચ રમાય નહીં તો સારૂં. ત્રીજી મેચ બુધવારે કોલકાતામાં રમાવાની હતી. આ સંજોગોમાં, અગાઉ એવો નિર્ણય લેવાયો હતો કે, બીજી અને ત્રીજી મેચ બંધ બારણે – પ્રેક્ષકો વિના જ ખાલી સ્ટેડિયમમાં રમાડવી. પણ મોડેથી એ નિર્ણય ય બદલાયો હતો.