ભારતીય બેટ્સમેન તેમજ બોલર્સના કંગાળ દેખાવને કારણે બંગલાદેશે ભારત પ્રવાસમાં પ્રથમ ટી-૨૦માં દિલ્હી ખાતે ભારતને સાત વિકેટે હરાવી રેકોર્ડ સર્જ્યો હતો. રવિવારે (3 નવેમ્બર) રમાયેલી આ મેચમાં બંગલાદેશના બોલર્સે પહેલા અસરકારક બોલિંગ કરી ભારતને 20 ઓવર્સમાં 6 વિકેટે 148 રન સુધી મર્યાદિત રાખ્યું હતું. એ પછી, 149 રનના ખાસ પડકારજનક કહી શકાય નહીં એવા ટાર્ગેટ સાથે મેદાને પડેલી પ્રવાસી ટીમે ૧૯.૩ ઓવરમાં ૩ વિકેટે ૧૫૪ રન કરી ભારત સામે પોતાનો પહેલો ટી-20 વિજય હાંસલ કર્યો હતો.
આ મેચ સામે જો કે, દિલ્હીમાં ભયજનક કહી શકાય તેવા હવાના પ્રદૂષણના કારણે ખતરો હતો, પણ બન્ને ટીમોએ રમવાની સંમતિ આપી હતી.
વિજય માટે ૧૪૯ રનના ટાર્ગેટ પછી બંગલાદેશના ઓપનર લિટન દાસને ભારતના દીપક ચહરે પહેલી જ ઓવરમાં પેવેલિયન ભેગો કર્યો હતો.
સૌમ્ય સરકારે એક છેડો જાળવી રાખ્યો હતો, તો અનુભવી બેટ્સમેન મુસ્ફિકુર રહીમ સાથે મળીને તેણે સ્કોર બોર્ડ ફરતું રાખ્યું હતુ. ભારતીય બોલિંગ લાઈનઅપમાં અનુભવનો અભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. રહીમે અણનમ ૬૦ રન કરીને ટીમના ભારત સામેના પ્રથમ વિજયમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
પ્રવાસી ટીમના કેપ્ટન મહેમદુલ્લાએ ટોસ જીતી ભારતને પહેલા બેટીંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. ભારતની શરૃઆત સારી રહી નહોતી માત્ર ૯ રન કરી રોહિત શર્મા પેવેલિયન ભેગો થયો હતો.
ધવને એક છેડો સાચવી રાખી ૪૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૧ રન કર્યા હતા. ધવન – રાહુલે ૨૬ રનની ભાગીદારી કરી હતી.
શ્રેયસ ઐયરે બે છગ્ગા અને ૧ ચોગ્ગા સાથે ૧૩ બોલમાં ૨૨ રન કર્યા હતા. ધવને મુશ્કેલીમાં બાજી સંભાળી હોવા તે લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો અને ૪૧ રન કરી તે આઉટ થયો હતો, એ રીતે ૯૫ના સ્કોરે ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી.
ભારતીય બેટ્સમેન મોટી ઈનિંગ રમવા કે ભાગીદારી નોંધાવવામાં સફળ રહ્યા નહોતા. પંત ૨૬ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૨૭ રન કરીને આઉટ થતાં ભારતે ૧૮.૨ ઓવરમાં ૧૨૦ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. કૃણાલ પંડયા અને વોશિંગ્ટન સુંદરની જોડીએ છેલ્લા ૧૦ બોલમાં અણનમ ૨૮ રન કરી ભારતનાે સ્કોર ૬ વિકેટે ૧૪૮ સુધી પહોંચાડયો હતો. કૃણાલે ૮ બોલમાં ૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૧૫ રન તેમજ સુંદરે પાંચ બોલમાં બે છગ્ગા સાથે ૧૪ રન કર્યા હતા.