Mohali: Indian captain Virat Kohli raises his bat after scoring fifty runs during 2nd T-20 match between India and South Africa in Mohali, Wednesday, Sept. 18, 2019. (PTI Photo/Atul Yadav)(PTI9_18_2019_000235B)

કેપ્ટન વિરાટ કોહલીએ ટી20માં વધુ એક અડધી સદી ફટકારતાં ભારતે અહીં રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી સાઉથ આફ્રિકા સામે સાત વિકેટથી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ સાથે ત્રણ મેચની સિરીઝમાં ભારતે 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી જ્યારે ત્રીજી મેચ રવિવારે રમાશે.

સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 149 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી તેમ છતાં અંતે 19 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ટારગેટ વટાવી દીધો હતો. 150 રનના ટારગેટ સામે રમતાં ભારત માટે સુકાની વિરાટ કોહલીએ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની બાવીસમી અડધી સદી ફટકારી હતી. ટી20માં સૌથી વધુ અડધી સદીનો રેકોર્ડ તેના નામે જ છે.

રોહિત શર્માએ બે સિક્સર સાથે આક્રમક પ્રારંભ કર્યો હતો પરંતુ તે 12 રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. શિખર ધવન અને વિરાટ કોહલીએ સ્કોર 94 સુધી પહોંચાડીને ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. 12મી ઓવરમાં ધવન 40 રનના સ્કોરે આઉટ થયો હતો. 31 બોલની ઇનિંગ્સમાં તેણે ચાર બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી.

રિશભ પંતે તેની આદત મુજબ ખરાબ શોટ ફટકારીને વિકેટ ફેંકી દીધી હતી. તે વારંવાર ભૂલ ભરેલા સ્ટ્રોકમાં આઉટ થતો રહે છે અને આ બાબતે તેની ટીકા થઈ રહી છે તેમ છતાં આ વખતે પણ તે નવોદિત બોલર ફોર્ટુનની બોલિંગમાં ફાઇન લેગ પર કેચ આપી બેઠો હતો.

જોકે બીજે છેડે કેપ્ટન વિરાટ કોહલી અડિખમ રહ્યો હતો. સાઉથ આફ્રિકન બોલિંગ આક્રમણની તેની ઉપર કોઈ અસર પડી ન હતી. કોહલીએ 52 બોલમાં ચાર બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે અણનમ 72 રન ફટકાર્યા હતા. તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં નોંધપાત્ર દેખાવ કરનારો શ્રેયસ ઐય્યર 16 રન સાથે અણનમ રહ્યો હતો.
અગાઉ ભારતે ટોસ જીત્યા બાદ સાઉથ આફ્રિકાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સુકાની તરીકે પ્રથમ મેચ રમી રહેલા ક્વિન્ટન ડી કોકે અડધી સદી ફટકારીને પ્રવાસી ટીમનો સ્કોર 149 સુધી પહોંચાડ્યો હતો.

ડી કોક અને ટેમ્બા બાવુમા સાઉથ આફ્રિકન ઇનિંગ્સનું આકર્ષણ રહ્યા હતા. ચોથી ઓવરમાં રેઝા હેન્ડ્રિક્સ છ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો પરંતુ ત્યાં સુધીમાં તેની ટીમનો સ્કોર 31 સુધી પહોંચી ગયો હતો જેના માટે ડી કોકની આક્રમક બેટિંગ જવાબદાર હતી. દીપક ચહરની બે વિકેટમાં તે પ્રથમ શિકાર હતો.

જોકે ડી કોક અને બાવુમાએ ટીમનો સ્કોર 88 સુધી પહોંચાડી દીધો હતો. 12મી ઓવરમાં ડી કોક 52 રન ફટકારીને આઉટ થયો ત્યારે એમ લાગતું હતું કે સાઉથ આફ્રિકા 175 રનના સ્કોર સુધી આસાનીથી પહોંચી જશે પરંતુ દીપક ચહર અને વોશિંગ્ટન સુંદરે ચુસ્ત બોલિંગ કરી હતી. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ પણ હરીફ બેટ્સમેનને અંકુશમાં રાખવામાં સફળતા મેળવી હતી.
સાઉથ આફ્રિકન ટીમ પહેલી વાર મોહાલીના મેદાન પર રમી રહી હતી ત્યારે બીજી વિકેટની ભાગીદારી ટીમ માટે મહત્વની બની ગઈ હતી પરંતુ અન્ય બેટ્સમેન આ શરૂઆતનો લાભ લઈ શક્યા ન હતા.

ડી કોકે 37 બોલમાં આઠ બાઉન્ડ્રી સાથે બાવન રન ફટકાર્યા હતા તો બાવુમાએ 43 બોલમાં 49 રનનું યોગદાન આપ્યું હતું. તેણે ત્રણ બાઉન્ડ્રી ઉપરાંત એક સિક્સર પણ ફટકારી હતી.
સાઉથ આફ્રિકાના ત્યાર પછીના તમામ બેટ્સમેને એક એક સિક્સર ફટકારી હતી તેમ છતાં તેઓ અપેક્ષા મુજબનો સ્કોર કરી શક્યા ન હતા. ડેવિડ મિલરે 15 બોલમાં 18, પ્રિટોરિયસે સાત બોલમાં 10 અને ફેહલુક્વાયોએ પાંચ બોલમાં આઠ રનમાં એક એક સિક્સર ફટકારી હતી.

ક્વિન્ટન ડી કોક આ અડધી સદી સાથે કેપ્ટન તરીકેની પોતાની પ્રથમ જ મેચમાં અડધી સદી ફટકારનારો સાઉથ આફ્રિકાનો ત્રીજો કેપ્ટન બન્યો હતો. અગાઉ ડેવિડ મિલર અને ગ્રીમ સ્મિથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટી20 ક્રિકેટમાં ક્વિન્ટન ડી કોકની આ ત્રીજી અડધી સદી હતી.
ભારતીય બોલર્સમાં દીપક ચહર સૌથી સફળ રહ્યો હતો. તેણે 22 રનમાં બે વિકેટ લીધી હતી તો જાડેજા, હાર્દિક પંડ્યા અને નવદીપ સૈનીએ એક એક વિકેટ લીધી હતી.