ભારત – અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આગામી પાંચ વર્ષમાં બમણો થઈને ૨૮૦ બિલિયન ડૉલરે પહોંચશે એવી સંભાવના છે, એમ અમેરિકામાં ભારતના ટોચના ડિપ્લોમેટે કહ્યું હતું. બંને દેશ વચ્ચે અમુક મતભેદ છે તે દ્વિપક્ષી વાટાઘાટથી ઉકેલાઈ જશે. માર્ચમાં અમેરિકાએ ભારતને મળતાં જીએસપી હેઠળના લાભ પાછા ખેંચ્યા હતા. ભારતે બદામ – સફરજન સહિત ૨૮ યુએસ પ્રોડક્ટ પર આયાત ટેરિફ લાદી હતી તેથી બંને દેશના સંબંધો તંગ બન્યા હતા. અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફરિયાદ કરી હતી કે આ ટેરિફ અમને સ્વીકાર્ય નથી. જોકે આ મતભેદ ઉકેલી શકે એમ છે. ઈન્ડો-યુએસ દ્વિપક્ષી વેપાર દશ વર્ષમાં બમણો થયો છે. હવે આગામી પાંચ વર્ષમાં બંને દેશ વચ્ચેનો વેપાર બમણો થવાની સંભાવના છે, એમ અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રીંગલાએ કહ્યું હતું. ઈન્ડો-યુએસ સંબંધો વિષયક એક ઈવેન્ટમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશમાં રોકાણ વધ્યું છે.વેપાર મુદ્દે અમુક મતભેદ કામચલાઉ સ્પીડબ્રેકર જેવા હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં મળનાર છે ત્યારે સંબંધો વધુ મજબૂત બનશે. એક અઠવાડિયા બાદ ન્યૂ યોર્કમાં બંને નેતા મળનાર છે. વેપાર મતભેદ ઝડપથી ઉકેલાઈ જશે, એવી આશા દર્શાવી હતી.