Kolkata: Indian team captain Virat Kohli gives a thumbs up to cheering fans after winning the day-night Test series against Bangladesh, at Eden Gardens in Kolkata, Sunday, Nov. 24, 2019. (PTI Photo/Swapan Mahapatra) (PTI11_24_2019_000052B)

ભારતે પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં પણ બંગલાદેશને એક ઈનિંગ અને 46 રને હરાવી પ્રવાસી ટીમ સામેની બે ટેસ્ટની સીરીઝમાં 2-0થી વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જ્યા છે, કોહલીના નામે પણ નવા રેકોર્ડ નોંધાયા છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ પણ ત્રીજા દિવસે જ પુરી થઈ ગઈ હતી, જેમાં બંગલાદેશે પહેલી ઈનિંગમાં ફક્ત 106 રન કર્યા હતા, તો ભારતે સુકાની વિરાટ કોહલીની સદી સાથે 9 વિકેટે 347 રન કરી ઈનિંગ ડીકલેર કરી હતી. એ પછી બીજા દિવસની રમત પુરી થતાં સુધીમાં તો 241 રનથી પાછળ રહેલી બંગલાદેશી ટીમે 152 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે, બીજા દિવસની રમતના અંતે જ ભારતનો વિજય તો નિશ્ચિત બની ગયો હતો અને ત્રીજા દિવસે રવિવારે બપોરે મેચના પહેલા સત્રમાં જ, એક કલાકથી પણ ઓછા સમયમાં ભારતે બાકીની વિકેટ ખેરવી નાખી હતી. બંગલાદેશ બીજી ઈનિંગમાં થોડા વધુ સારા દેખાવ છતાં 195 રને ઓલાઉટ થયું હતું.
ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પ્લેયર ઓફ ધી મેચ અને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર થયો હતો. આ મેચમાં ઈશાંતે પહેલી ઈનિંગમાં પાંચ સહિત કુલ 9 વિકેટ ઝડપી હતી. બીજી ઈિનંગમાં ઉમેશ યાદવે પાંચ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ માટે એક નોંધપાત્ર સફળતા એ રહી કે આ મેચમાં સ્પિનર્સને એકપણ વિકેટ મળી નથી. છેલ્લે આવું ૨૦૧૮માં સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં બન્યું હતું.
ભારત માટે આ સતત ત્રીજી સીરીઝમાં ક્લીન સ્વીપ વિજય છે. એ અગાઉ, ભારતે ઘરઆંગણે જ વેસ્ટ ઈન્ડિઝને પણ 2-0થી અને પછી સાઉથ આફ્રિકાને 3-0થી ટેસ્ટ સીરીઝમાં હરાવ્યા હતા.
કોહલી માટે નોંધાયેલા નવા રેકોર્ડ્ઝમાં આ તેનો સતત સાતમી ટેસ્ટ મેચમાં વિજય છે, જે કોઈપણ ભારતીય સુકાનીએ નોંધાવેલા સળંગ ટેસ્ટ વિજયમાં સૌથી વધુ છે, અગાઉ ધોનીના નામે 2013માં સતત છ ટેસ્ટમાં વિજયનો રેકોર્ડ હતો. બંગલાદેશ તરફથી છેલ્લા દિવસે ઈબાદત હુસૈન ખાતું ખોલાવ્યા વિના જ ઉમેશનો શિકાર બન્યો હતો, તો જ્યારે અલ-અમીને સંઘર્ષ સાથે ૨૧ રન કર્યા હતા. બીજી ઈનિંગમાં બંગલાદેશ માટે મુશ્ફિકૂર રહીમના 74 રન સર્વોચ્ચ ફાળો હતો.