વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ પણ ભારતે સોમવારે ચોથા દિવસે 257 રને જીતી લઈ બે ટેસ્ટની આ સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી હતી. ભારતે પહેલી ઈનિંગ્સમાં 416 રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 117 રન કરી શક્યું હતું. આ રીતે તેને 299 રનની જંગી સરસાઈ મળી હતી.
ભારતે પોતાની બીજી ઈનિંગમાં ચાર વિકેટે 168 રન ફક્ત 54.4 ઓવર્સમાં કરી દાવ ડીકલેર કરી દીધો હતો.
ભારતના પહેલી ઈનિંગના 416 રનમાં મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારીએ પોતાની કેરિયરની પહેલી જ ટેસ્ટ સદી નોંધાવી હતી, તો નવોદિત બેટ્સમેન મયંક અગરવાલ અને ઈશાંત શર્માએ અડધી સદીઓ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સુકાની જેસન હોલ્ડરે 77 રનમાં પાચં વિકેટ ઝડપી હતી.
આ જંગી સ્કોરના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ પહેલી ઈનિંગમાં ફક્ત 117 રન કરી શકી હતી, તેમાં પણ ટીમના ટોચના પાંચ બેટ્સમેન તો ફક્ત 22 રનમાં જ તંબુ ભેગા થઈ ગયા હતા. એ પછી પાછળના બેટ્સમેને ભારતીય બોલિંગ સામે થોડી ટક્કર લઈ 95 રન ઉમેરતાં ટીમ 117 રન સુધી પહોંચી શકી હતી. ટોપ ઓર્ડરના ધબડકા માટે ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની જબરજસ્ત હેટટ્રીક જવાબદાર હતી. બુમરાહે એકંદરે 6 વિકેટ ઝડપી હતી. ભારતને પહેલી ઈનિંગમાં 299 રનની જંગી સરસાઈ મળ્યા છતાં વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝને ફોલો-ઓનની ફરજ પાડી નહોતી અને બીજી ઈનિંગમાં ઝડપી બેટિંગ કરી વેસ્ટ ઈન્ડિઝ સામે 468 રનનો રેકોર્ડ ટાર્ગેટ મુક્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં બ્રૂક્સના 50, હોલ્ડરના 39 અને બ્લેકવુડના 38 રન મુખ્ય હતા. શમી અને જાડેજાએ 3-3, ઈશાંતે બે અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી.
કોહલીએ સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનનો ધોનીનો રેકોર્ડ તોડ્યો
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને જમૈકા ટેસ્ટમાં 257 રનથી હરાવીને બે ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી હતી. વિરાટ કોહલીના સુકાનીપદે ભારતનો આ 28મી ટેસ્ટ વિજય છે. આ સાથે કોહલીએ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. તે એમએસ ધોનીનો 27 ટેસ્ટ વિજયનો રેકોર્ડ તોડી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. સોમવારે, બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝ 210 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વિજય પછી કોહલીએ કહ્યું હતું કે, વિજયનો આ રેકોર્ડ ટીમને આભારી છે. તેણે બોલર્સની ખુબ પ્રશંસા કરી હતી.
કોહલીએ પોતાની 48મી ટેસ્ટ મેચમાં આ સફળતા નોંધાવી છે. ધોનીએ 60માંથી 27 અને ગાંગુલીએ 49માંથી 21 મેચમાં વિજય મેળવ્યા હતા. અઝહરુદ્દીને 14 ટેસ્ટ મેચમાં વિજય હાસલ કર્યો હતો. કોહલીની આગેવાનીમાં અત્યાર સુધીમાં ભારત માત્ર 10 ટેસ્ટ હાર્યું છે. ભારતની બહાર કોહલીનો આ 13મો વિજય છે. આ પ્રમાણે પણ તે સૌથી સફળ ભારતીય કેપ્ટન છે.
જસપ્રીત બુમરાહે વિન્ડીઝ સામે હેટટ્રીક ઝડપી
જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ સામે જમૈકામાં કિંગ્સટનના સબીના પાર્ક ખાતે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે ત્રણ બોલે ત્રણ બેટ્સમેનને આઉટ કરીને હેટટ્રીક મેળવી હતી.
તેણે નવમી ઓવરના બીજા બોલે ડેરેન બ્રાવો, ત્રીજા બોલે એસ. બ્રૂક્સ અને ચોથા બોલે રોસ્ટને ચેઝને આઉટ કરી ઈતિહાસના પાને પોતાનું નામ નોંધાવ્યું હતું.
જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં હેટટ્રીક લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો છે, તો વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ ઉપર આવી સિદ્ધિ મેળવનારો તો એ પ્રથમ ભારતીય છે. ભારત માટે આ અગાઉ હરભજન સિંઘે 2001મા ઓસ્ટ્રેલિયા સામે કોલકત્તામાં હેટ્રિક ઝડપી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બોલર હતો.
એ પછી આ સિદ્ધિ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે પણ હાંસલ કરી હતી. તેણે 2006મા પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં હેટટ્રીક લીધી હતી.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ 44મી હેટ્રિક છે. આ પહેલાની હેટટ્રીક 2017મા ઈંગ્લેન્ડના મોઇન અલીએ દક્ષિણ આફ્રિકા સામે લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ ઉપરની આ ત્રીજી હેટ્રિક છે અને કેરેબિયન ધરતી પર હેટટ્રીક લેનારો બુમરાહ પ્રથમ ભારતીય છે.