વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 અને વન-ડે સીરીઝ પછી હવે ટેસ્ટ સીરીઝમાં પણ ભારતે શાનદાર દેખાવ સાથે વિજયી આરંભ કર્યો છે. બે ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં એન્ટીગા ખાતે રવિવારે વેસ્ટ ઇન્ડિઝને ચોથા દિવસે જ ભારતે 318 રનથી હરાવ્યું છે. મેચની બીજી ઇનિંગ્સમાં ભારત માટે અજિંક્ય રહાણેએ શાનદાર સદી કરી હતી, તો હનુમા વિહારી ફક્ત 7 રન માટે સદી ચૂક્યો હતો. એ પછી, જસપ્રિત બુમરાહએ પાંચ અને ઇશાંત શર્માએ ચાર વિકેટ ખેરવતાં વેસ્ટ ઇન્ડિઝની બીજી ઇનિંગ માત્ર 100 રનમાં પુરી થઈ ગઈ હતી. મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રહાણે અને જસપ્રીત બુમરાહની ખુબ જ પ્રંશસા કરી હતી.
વિરાટે કહ્યું હતું કે, ગત વખતે પણ અમારી અહીં પહેલી ટેસ્ટ ખુબજ સારી રહી હતી. આ વખતે અમારી મહેનત વધુ કરવી પડી હતી. જિંક્સ (અજિંક્ય રહાણે) બંને ઇનિંગ્સમાં શાનદાર રમ્યો. અમારું ટેમ્પરામેન્ટ સારુ રહ્યું છે.
આ મેચમાં ભારતે પહેલી ઇનિંગ્સમાં 297 રન કર્યા હતા અને એ પછી વેસ્ટ ઇન્ડિઝને 222 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બીજી ઇનિંગ્સમાં ભારતે 343 રન કરી વેસ્ટ ઇન્ડિઝને 419 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 100 રન પર જ ઓલઆઉટ થઇ 318 રનથી મેચ હારી ગઇ હતી. અંજિક્ય રહાણેએ પહેલી ઇનિંગ્સમાં 81 અને બીજી ઇનિંગ્સમાં 102 રન કર્યા હતા અને તે બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
રહાણેની સદી સિવાય હનુમા વિહારીના 93 તથા સુકાની વિરાટ કોહલીના 51 સાથે ભારતે 7 વિકેટે 343 રને બીજી ઇનિંગ્સ ડીકલેર કરી હતી અને વેસ્ટ ઇન્ડિઝ માટે 419 રનનો ટાર્ગેટ મુક્યો હતો. કોહલીએ 113 બોલમાં બે ચોગ્ગા સાથે 51 કર્યા હતા. લોકેશ રાહુલે 38, ચેતેશ્વર પૂજારાએ 25, મયંક અગ્રવાલે 16 કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝે ચાર અને કેમર રોચ, શેનોન ગેબ્રિયલ અને કેપ્ટન જેસન હોલ્ડરે એક-એક વિકેટ લીધી હતી.
ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો આ સૌથી ઓછો સ્કોર છે. જસપ્રીત બુમરાહે 5, ઇશાંત શર્માએ 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે 10મા ક્રમે બેટિંગમાં ઉતરેલા કેમર રોચે સૌથી વધુ 38 રન કર્યા હતા. વિદેશી ભૂમિ ઉપર ભારતનો સૌથી વધુ રનના અંતરથી વિજયનો આ નવો રેકોર્ડ થયો છે, તો ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી વધુ સફળ સુકાની તરીકે કોહલીએ 27 વિજય સાથે ધોનીની બરાબરી કરી છે.