Indian player Ramkumar Ramanathan gestures after scoring a point during a singles match against Uzbekistan's Temur Ismailov at the Davis Cup Asia Oceania group one tie match held between India and Uzbekistan at the Karnataka State Lawn Tennis Association (KSLTA) Stadium, in Bangalore on April 7, 2017. / AFP PHOTO / Manjunath KIRAN (Photo credit should read MANJUNATH KIRAN/AFP via Getty Images)

કઝાખસ્તાનના નૂર સુલ્તાનમાં શુક્રવારે અને શનિવારે (29, 30 નવેમ્બર) રમાઈ ગયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ ટેનિસ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. આ મેચ મૂળભૂત રીતે પાકિસ્તાનમાં રમાવાની હતી, પણ ત્યાંની સ્થિતિ ભારતીય ખેલાડીઓની સલામતી માટે યોગ્ય નહીં હોવાના કારણે ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને પાકિસ્તાનના ભારે વિરોધ છતાં આખરે ત્રીજા દેશમાં આ મેચ રમાડવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે મેચ કઝાખસ્તાનમાં રમાઈ હતી.
શુક્રવારે રમાયેલી બે સિંગલ્સ મેચમાં ભારતના રામકુમાર રામનાથને મુહમ્મદ શોએબને 6-0, 6-0થી તથા એ પછી સુમિત નાગલે હુઝૈફા અબ્દુલ રહેમાનને 6-0, 6-2થી હરાવી ભારતને 2-0થી મજબૂત લીડ આપી હતી. ભારતના અનુભવી ખેલાડીઓ સામે પાકિસ્તાનના પ્રમાણમાં યુવાન, સાવ ઓછા અનુભવી ખેલાડીઓ વચ્ચે જાણે કોઈ સ્પર્ધા જ નહોતી.
સિંગલ્સના જંગમાં ફક્ત બે ગેમ ગુમાવીને ભારતીય ખેલાડીઓએ હરીફો સામે પોતાનો ક્લાસ દર્શાવ્યો હતો.
રામકુમારે તો તેના હરિફને એક પણ ગેમ જીતવા દીધી નહોતી અને ફક્ત ૪૨ મિનિટમાં હરીફને પરાસ્ત કર્યો હતો. સુમિત નાગલને બે ગેમ ગુમાવવી પડી હતી. એ પછી, શનિવારે રમાયેલી ડબલ્સની મેચમાં ભારતના સૌથી વધુ અનુભવી અને સફળ ઈન્ટરનેશનલ ખેલાડી લીએન્ડર પેસ અને જીવન નેડુન્ચેળિયને ફક્ત 53 મિનિટમાં પાકિસ્તાનના મુહમ્મદ શોએબ તથા હુઝૈફા રહેમાનને 6-1, 6-3થી હરાવ્યા હતા. લીએન્ડર પેસે ડેવિસ કપમાં 44મી ડબલ્સ મેચમાં સફળતા સાથે પોતાનો વર્લ્ડ રેકોર્ડ વધુ સુદ્રઢ બનાવ્યો હતો. તેણે 57 ડેવિસ કપ ડબલ્સ મેચ રમીને 44માં વિજય સાથે આ મોરચે નંબર 1 તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. અગાઉ આ રેકોર્ડ ઈટાલીના નિકોલા પેટ્રાન્ગેલીના નામે હતો, જેણે 66 મેચમાં 42 વિજય હાંસલ કર્યા હતા. એકંદરે પણ પેસે સિંગલ્સ સહિત 92 વિજય મેળવ્યા છે, તો પરાજયની સંખ્યા 35ની છે.
ડબલ્સના વિજય પછી ખાસ મહત્ત્વની નહીં રહેલી એક રીવર્સ સિંગલ્સ મેચ પણ શનિવારે રમાઈ હતી, જેમાં સુમિત નાગલે પાકિસ્તાનના યુસુફ ખલિલને 6-1, 6-0થી હરાવી મુકાબલો 4-0થી ભારતની તરફેણમાં સમેટી લીધો હતો. હવે પરિણામમાં કોઈ ફેરફાર થાય તેમ નહીં હોવાથી પાંચમી મેચ નહીં રમવાનો બન્ને ટીમે નિર્ણય લીધો હતો.
ભારતનો ડેવિસ કપમાં પાકિસ્તાન સામેના તમામ મુકાબલામાં વિજય થયો છે.