ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝમાં ટી 20 અને વન ડે સીરીઝ બાદ હવે ટેસ્ટ સીરીઝમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. એંટિગુઆમાં બે ટેસ્ટ મેચની સીરીઝમાં પહેલી મેચમાં ભારતે વેસ્ટઇન્ડિઝને ચોથા દિવસે જ 318 રનથી હરાવ્યું છે. આ મેચની બીજી ઇનિંગ્સમાં અજિંક્ય રહાણેએ શાનદાર સેન્ચ્યુરી ફટકારી હતી. ત્યારબાદ જસપ્રિત બુમરાહએ પાંચ અને ઇશાંત શર્માએ ચાર વિકેટ લઇ વેસ્ટઇન્ડિઝની ઇનિંગ્સ માત્ર 100 રન પર પેવેલિયન ભેગી કરી હતી. આ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 297 રન બનાવ્યા અને ત્યારબાદ વેસ્ટઇન્ડિઝને 222 રન પર આઉટ કર્યું હતું. બીજી ઇનિંગ્સમાં ભારતે 343 રન બનાવી વેસ્ટ ઇન્ડિઝને 419 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 100 રન પર જ ઓલઆઉટ થઇ 318 રનથી મેચ હારી ગઇ હતી. આ મેચમાં અંજિક્ય રહાણેએ પહેલી ઇનિંગ્સમાં 81 રન અને બીજી ઇનિંગ્સમાં 102 રન બનાવ્યા. આ મેચમાં સૌથી વધારે સ્કોર કરનાર બેસ્ટમેન રહ્યો છે. તેને મેન ઓફ ધ મેચ ખિતાબ આપવામાં આવ્યો.